વીતેલા નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન એર ઇન્ડિયાને રૂપિયા 8,400 કરોડની ખોટ થઇ હોવાના ચોંકાવનારા આંકડા પ્રગટ થયા હતા. જો કે સદૈવ બનતું રહ્યું છે. એમ એવાં બહાનાં આગળ કરવામાં આવ્યા કે હવાઇ ઈંધણ મોંઘુ થયું હતું અને સંચાલન ખર્ચ બેફામ વધી ગયો હતો એટલે ખોટ થઇ હતી. એવું પણ કારણ આગળ કરવામાં આવ્યું કે પાકિસ્તાને પોતાનો એરસ્પેસ બંધ કર્યાથી એર ઇન્ડિયાને રોજની ત્રણથી ચાર કરોડની ખોટ પડે છે.
એર ઇન્ડિયાએ વીતેલા વર્ષમાં જેટલી ખોટ કરી એટલી મૂડીથી તો એક નવી એરલાઇન્સ શરૂ કરી શકાય. હાલ સફળતાથી ચાલી રહેલી સ્પાઇસજેટની માર્કેટ કેપિટલ ફક્ત 8,000 કરોડની છે એટલે કે એર ઇન્ડિયાએ એક વર્ષમાં જેટલી ખોટ કરી એટલી મૂડીથી તો એક નવી એરલાઇન્સ શરૂ કરી શકાય.
વીતેલા વર્ષમાં એર ઇન્ડિયાએ કુલ 26,400ની કમાણી કરી હતી. એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાને પોતાનો એર સ્પેશ બંધ કર્યાથી એપ્રિલથી જૂન સુધીના ત્રણ મહિનામાં 150થી 200 કરોડનું નુકસાન એર ઇન્ડિયાને થયું હતું. આ અધિકારીએ એવો દાવો પણ કર્યો હતેા કે બીજી જુલાઇ સુધીમાં થયેલી ખોટનો આંકડો 491 કરોડ રૂપિયાનો હતો.
પાકિસ્તાને પહેલીવાર બાલાકોટમાં ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે ફેબ્રુઆરીમાં એરસ્પેશ બંધ કર્યો હતો. એ પછી જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ ભારતે રદ કરી ત્યારબાદ ફરી એકવાર પાકિસ્તાને પોતાનો એરસ્પેશ બંધ કર્યો હતો. એને કારણે માત્ર એર ઇન્ડિયા નહીં, સ્પાઇસજેટ, ઇન્ડિગો અને ગોએરને પણ ભારે આર્થિક નુકસાન થયું હતું.
જો કે આ અધિકારી એવી આશા રાખે છે કે એર ઇંધણના ભાવમાં ફરી વધારો ન થાય અને ફોરેન એક્સચેંજના ભાવની વધઘટમાં રૂપિયાને વધુ નુકસાન નહીં તો એર ઇન્ડિયા ચાલુ નાણાંકીય વર્ષમાં ફરી એકવાર સ્થિર થઇ જશે. આમ થવાના કારણમાં આ અધિકારી કહે છે કે પહેલાં કરતાં એર ઇન્ડિયાના સીટ ઓક્યુપેશનમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. હાલ એર ઇન્ડિયા 72 ડોમેસ્ટિક અને 41 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે.