કોરોનાને રોકવા માટે દેશમાં લોકડાઉન હોવાથી લોકો ઘરમાં બંધ છે અને ઉદ્યોગ એકમો, વાહનો પણ બંધ છે. એના કારણે દેશના 91 શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો આવ્યો છે. ગંગા નદીનું પાણી પણ શુદ્ધ થયું છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં લોકડાઉનના કારણએ લોકો ઘરમાં બંધ છે એટલે દેશભરની હવામાં વાયુ પ્રદૂષણ ઘટયું છે. હવામાં કાર્બનની માત્રા નોંધપાત્ર ઘટી ગઈ છે. ઔદ્યોગિક વિસ્તારની આસપાસ સતત વાયુ પ્રદૂષણ રહેતું હોય છે. જેથી આવા વિસ્તારોની વાયુની ગુણવત્તા સતત ખરાબ જ રહેતી હોય છે, પરંતુ લોકડાઉનના કારણે મશીનો બંધ છે એટલે ઔદ્યોગિક વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ઘણું ઓછું થયું છે.
અહેવાલ પ્રમાણે જનતા કરફ્યુના એક દિવસ પહેલાંથી દેશના 90 શહેરોમાં હવાની ગુણવત્તા સંતોષજનક હતી. 29થી માર્ચથી દેશના 91 શહેરોની હવા નોંધપાત્ર રીતે શુદ્ધ થઈ ગઈ છે.
યાત્રાઓ બંધ થઈ છે એટલે ગંગાનદીમાં સામુહિક સ્નાન બંધ થયું છે. ગંગા નદીમાં વહેતો ઉદ્યોગોનો કચરો અને માનવ કચરો પણ નિયંત્રણમાં આવ્યો છે. એ કારણે ગંગાના પાણીમાં પણ શુદ્ધિ જોવા મળી હતી. ગંગાના મોટાભાગના મોનિટરિંગ સેન્ટર્સમાં ગંગાનું પાણી નહાવા યોગ્ય થયું છે.સીપીસીબીની નોંધ પ્રમાણે હજુ 12 દિવસના લોકડાઉન દરમિયાન જળ અને વાયુનું પ્રદૂષણ ઘટશે. દેશના નાના શહેરોમાં પણ હવાની ગુણવત્તા પહેલા કરતા ઘણી સારી હોવાનું નોંધાયું હતું.