પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો હતો. પુલવામા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે ઉત્તરપ્રદેશ ગયેલો હાર્દિક હમારા આતંકી શબ્દ બોલીને ભૂલ કરી બેઠો હતો. લખનૌમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મળીને પત્રકાર પરિષદ સંબોધતા હાર્દિકની જીપ લપસી હતી. જેના કારણે ન બોલવાનું બોલાઈ ગયું હતું. આ પછી સોશિયલ મીડિયા પર તેની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી.
હાર્દિક પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું અને અખિલેશજી પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશમાં પહેલા પણ ઘણી વાર મળી ચૂક્યા છીએ. આજે હું તેમને ત્યાં ચા પીવા માટે આવ્યો છું, કારણ કે ચા પીતા પીતા સારી વાતો થાય છે. જેવું આપણા પ્રધાનમંત્રીજી કહે છે. ચા પીતા પીતા અમે સારી વાતો કરવાનો પ્રયાસ કર્યો છે.
એ પછી હાર્દિકે પુલવામાં અટેકની વાત ઉચ્ચારી હતી. તેણે કહ્યું હતું કે, જે હિસાબથી કાશ્મીરના પુલવામામાં આપણા આતંકીઓ દ્વારા આપણા જવાનો પર જે હુમલો થયો, તેમાં 13 જવાનો ઉત્તર પ્રદેશની માટીના હતા. અમે તેમને હ્રદયથી શ્રદ્ધાંજલી અર્પણ કરીએ છીએ. હાર્દિક પટેલ ‘હમારે આતંકીઓ’ શબ્દ બોલતા સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.