વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે રસીકરણ અભિયાનને વેગ નહીં અપાય અને કોરોના સંબંધી સાવચેતીઓના પાલનમાં લોકો બેદરકાર રહેશે તો 6-8 મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આઇઆઇટી, હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગરે કહ્યું કે રસીકરણ અભિયાનને વેગ આપવા ઉપરાંત કોરોના અટકાવવાના નિયમો (પ્રોટોકોલ)નું પણ સંપૂર્ણપણે પાલન કરવું પડશે. તો જ કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાશે. પ્રો. વિદ્યાસાગર સૂત્ર મોડલ દ્વારા સંક્રમણના ઉતાર-ચઢાવનું અનુમાન કરનારા વિજ્ઞાનીઓમાં સામેલ છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવનના જણાવ્યા મુજબ, વાઇરસ રૂપ બદલશે તેમ-તેમ કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધશે. એઇમ્સના ચેરમેન ડૉ. નવનીત વિગે પણ કહ્યું કે કોરોના સંકટ એક ગતિશીલ સ્થિતિ છે તેની ત્રીજી લહેર રોકવા વ્યૂહરચના બદલવાની જરૂર છે, જેમાં લોકોનો સહકાર મહત્ત્વપૂર્ણ હશે.
