મનુષ્ય સતત પ્રકૃતિ સાથે રમત રમી રહ્યો છે. ત્યારે હવે પ્રકૃતિ સાથે રમી રહેલા મનુષ્ય માટે એલાર્મ વાગી ચુક્યો છે. આ ખુલાસો ઇન્ડિયાસ્પેન્ડ રિપોર્ટમાં સામે આવ્યો છે કે દરિયાની વધતી જળ સપાટી વર્ષ 2050 માં 3 મિલિયન લોકોને બરબાદ કરવાનો છે. સમુદ્રનું વધતું જળસ્તર મુંબઈ, સુરત, ચેન્નઈ અને કોલકાતા જેવા દેશનાં ઘણા દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ત્રાટકશે.
ભારતમાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં લગભગ 31 મિલિયન લોકો રહે છે. ક્લાઇમેટ સેન્ટ્રલ સીઈઓ અને ચીફ સાયન્ટિસ્ટ બેન્જામિન એચ. સ્ટ્રોસ કહે છે કે રિપોર્ટે તેમને પણ વિચારવા મજબૂર કરી દીધા છે. અહેવાલમાં આંકડા તેના અંદાજ કરતા 3 ગણા વધારે છે. ઇન્ડિયા સ્પેન્ડનાં આ અહેવાલ મુજબ દરિયાની વધતી જળ સપાટીની અસર 2050 સુધીમાં વિશ્વનાં 10 દેશોની વસ્તી પર પડશે. ઝડપી શહેરીકરણ અને આર્થિક વિકાસને કારણે કોલકાતા અને મુંબઇમાં સૌથી વધુ અસર જોવા મળશે તેવુ પણ સામે આવી રહ્યુ છે.
આ સંશોધન સ્કોટ એ.કલ્પ અને બેન્જામિન એચ. સ્ટ્રોસ નામનાં બે વૈજ્ઞાનિકોનાં નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2000 માં નાસા (નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન) એ આખા વિશ્વમાંથી માહિતી એકત્રિત કરી હતી પરંતુ તેમાં કેટલીક ભૂલો હતી. જે બાદ બંને વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇંટેલિજન્સનો ઉપયોગ કરીને આ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો. જે એક નવી સત્યતા તરફ દોરી ગઈ છે. જે તેમના અંદાજ કરતા 3 ગણા વધારે છે.
સંયુક્ત રાષ્ટ્રનાં જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગ્યુટેરેસ કહે છે કે જો આપણે ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવા માંગીએ તો 2030 સુધીમાં આપણે વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં 45% ઘટાડો કરવો પડશે. વિશ્વમાં કાર્બન ઉત્સર્જન વધારી રહ્યું છે, વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્લેશિયર ઓગળી રહ્યા છે. અને તેથી જ દરિયાની સપાટી પણ વધી રહી છે. સપ્ટેમ્બર 2019 નાં ઇન્ડિયા સ્પેન્ડ અહેવાલમાં જણાવાયું છે કે કાર્બન ઉત્સર્જનમાં ચીન ટોચ પર છે, ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને ત્યારબાદ ભારત છે.