સીબીઆઈમાં ડાયેરક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલી તુમુલ લડાઈના પરિણામે સરકારે બન્ને અધિકારીઓને રજા પર ઉતારી દીધા છે અને સીબીઆઈની કમાન નાગેશ્વર રાવને સુપ્રત કરી દેવામાં આવી છે. નાગેશ્વર રાવ હાલ સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર છે. આલોક વર્માના તમામ કાર્યો હવેથી રાવ જોશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્વ લાંચ લેવાનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ અસ્થાનાએ લાંચની ફરીયાદને કોર્ટમાં ચેલેન્જ કરી છે અને 29મી તારીખ સુધીનો સ્ટે મેળવી લીધો છે. દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યા છે કે અસ્થાનાની સામેની અપરાધિક કાર્યવાહીને યથાવત રાખવામાં આવે પણ નવા આદેશ સુધી તેમની ધરપકડ કરી શકાશે નહીં.
સીબીઆઈ અધિકારીઓ વચ્ચેની ખટરાગનો અડ્ડો બની જતા સરકારે સિનિયોરિટીમાં ત્રીજા નંબરે આવતા નાગેશ્વર રાવને કમાન સોંપી સ્પષ્ટ કરી દીધું છે કે સિનિયર અને જૂનિયરની મગજમારીના બદલે સરકાર કોઈને પણ સીબીઆઈના ચીફની કમાન સોંપી શકે છે.