લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને જોરદાર ફટકો પડે તેવી સંભાવના છે. ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ અંગે અલ્પેશ ઠાકોર આગામી 24 કલાકમાં નિર્ણય તે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. અમદાવાદમાં ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા અલ્પેશને ઠાકોર સેનામાં રહે અથવા તો કોંગ્રેસ સાથે રહે તેવુ અલ્ટી મેટમ આપવામાં આવ્યું હતું. સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર અલ્પેશે ઠાકોર સેના સાથે રહેવાનું મન બનાવી લીધુ છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી પણ સંભાવના છે.
સામાજીક કાર્યકર્તામાંથી નેતા બનેલા અલ્પેશ ઠાકોર પાટણ લોકસભાની બેઠકને લઈ નારાજ હોવાના કારણે તેઓ કોંગ્રેસ છોડી શકે છે તેવી વાતો વહેતી થઈ છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ઠાકોર સેનાની કોર કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ પહેલીવાર નથી કે અલ્પેશ ઠાકોરના રાજીનામાની વાતો ઉડી હોય. અગાઉ પણ અલ્પેશ ઠાકોરના રાજીનામાની વાતો વહેતી થઈ હતી. ત્યારે અલ્પેશે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે કોંગ્રેસ સાથે જ છે.