હરિયાણામાં ગુરૂવાર સવારે વાયુસેનાના જગુઆર વિમાનને ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી છે. આ ફાઈટર પ્લેન અંબાલા એરફોર્સ સ્ટેશન પરથી ઉડ્યું હતું અને થોડી જ વારમાં તેની સાથે કોઈ પક્ષી અથડાઈ ગયું હતું. જેના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન વિમાનનો કાટમાળ રહેણાક વિસ્તારમાં પડ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ હોવાની જાણકારી નથી મળી.
તાજેતરમાં જ ગુજરાતના કચ્છ જિલ્લામાં એક જગુઆર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ એરક્રાફ્ટે જામનગરથી ઉડાન ભરી હતી. જેમાં પાયલટ સંજય ચૌહાણ શહીદ થયા હતા. તેઓ વાયુસેનામાં એર કોમોડોરના પદ પર ફરજ બજાવી રહ્યા હતા. જગુઆરે રૂટીન ટ્રેનિંગ મિશન દરમિયાન જામનગરથી સવારે 10.30 વાગ્યા ઉડાન ભરી હતી. આ વિમાન દુર્ઘટના એટલી ભયંકર હતી કે તેનો કાટમાળ કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગયો હતો.
છેલ્લા કેટલાક મહિનાઓમાં જગુઆર વિમાન સાથે થયેલી આ ત્રીજી દુર્ઘટના છે. વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના કુશીનગરમાં વાયુસેનાનું ફાઈટર પ્લેન જગુઆર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન ક્રેશ થતા પહેલા પાયલટ સફળતાપૂર્વક વિમાનમાંથી બહાર કૂદી પડ્યો હતો. દુર્ઘટના બાદ વિમાન કુશીનગરના ખેતરોમાં જઈને પડ્યું હતું. વિમાન પડતાની સાથે તેમાં આગ ફાટી નિકળી હતી. આ જગુઆર ફાઈટર વિમાને ગોરખપુર એરબેઝમાંથી ઉડાન ભરી હતી.