આર્થિક મોર્ચા પર અમેરિકા અને ચીન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે, ત્યારે તાજેતરમાં અમેરિકાએ વિશ્વના મુખ્ય દેશોને જણાવ્યું કે, તેઓ ચીનની ટેલિકૉમ કંપની હુવાવેઈને પોતાના 5G મોબાઈલ નેટવર્ક માટે મંજૂરી ના આપે. અમેરિકાના આ પ્રકારના વલણ બાદ ચીન લાચાર જોવા મળી રહ્યું છે અને ભારત પ્રત્યે આશાની મીટ માંડીને બેઠું છે.
વાસ્તવમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ ભારતના પ્રવાસે આવવાના છે. તેની પહેલા ભારતમાં ચીનના રાજદૂત સન વીદોંગે આશા વ્યક્ત કરી કે, તેમની કંપનીઓને અહીં નિષ્પક્ષ અને સુવિધાજનક ધંધાનું વાતાવરણ મળશે.
તેમણે જણાવ્યું કે, એશિયાની બન્ને તાકાતોને વેપાર અને રોકાણ વધારવા માટે એકબીજાનો સહયોગને મજબૂત કરવો જોઈએ. ભારત-ચીને પોતાનો મુક્ત વેપાર આગળ વધારવો જોઈએ. આ ઉપરાંત વેપારના હાલના માહોલમાં વધતી અનિશ્ચિતતાની સ્થિતિમાં એકતરફી કાર્યવાહી વિરૂદ્ધ એક સાથે મળીને આવાજ ઉઠાવવો જોઈએ.
ચીનના રાજદૂત સન વીદોંગે ભારતની આયાત પર જણાવ્યું કે, અમે તેને આગળ વધારવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે. કેટલાક ભારતીય આયાત પર દર ઓછા કરવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષોમાં ભારતથી ચીનની આયાત અંદાજે 15 ટકા વધી છે. ચાલુ વર્ષના પ્રથમ 6 માસિક ગાળામાં ચીનની સાથે ભારતના વેપારની ખોટ વાર્ષિક આધાર પર 13.5 ટકા ઓછી થઈ છે.
ચીનના રાજદૂતનું ભારત પ્રત્યે આશા ભરેલું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકાએ વિશ્વના દેશોને આગ્રહ કરતા જણાવ્યું છે કે, તેઓ ચીનની ટેલિકૉમ કંપની હુવાવેઈને પોતાના 5જી મોબાઈલ નેટવર્કની મંજૂરી ના આપે.
જણાવી દઈએ કે, ભારત 5G મોબાઈલ નેટવર્ક માટે પરીક્ષણ શરૂ કરવાનું છે. ભારતે આ મામલે હજુ કોઈ નિર્ણય નથી લીધો કે, તે હુવાવેઈને 5જી પરીક્ષણમાં સામેલ થવાની મંજૂરી આપશે કે કેમ ?