દેશમાં હાલ કોરોના વાયરસની બીજી લહેરનો ખતરો ઓછો થયો નથી અને ત્રીજી લહેરની આશંકા પણ વધી રહી છે. પરંતુ મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો મોટી સંખ્યામાં હિમાચલ પ્રદેશ પહોંચી રહ્યા છે.કોરોનાના કેસો ઘટતાં જ રાજ્ય સરકારોએ છૂટ આપવાનું શરૂ કરી દીધું છે. તેનો લાભ લઈ લોકો ગરમીથી રાહત મેળવવા હિમાચલ પ્રદેશ તરફ વળ્યા છે. લોકો મોટી સંખ્યામાં શિમલા, કુફરી, નારકંડા, ડેલહાઉસી, મનાલી, લાહૌલ અને પર્વતીય રાજ્યના અન્ય પ્રવાસન સ્થળો તરફ જઈ રહ્યા છે.પ્રવાસન વિભાગના નિયામક અમિત કશ્યપે જણાવ્યું કે, જૂનમાં કોરોનાના નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં 6થી 7 લાખ પ્રવાસીઓ રાજ્યમાં આવી ચુક્યા છે. દેશના ઉત્તરીય ભાગમાં અસહ્ય ગરમીનાં કહેરને કારણે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. થોડા દિવસ પહેલા આ લોકોને હોસ્પિટલ નહોતી મળતી અને હવે તેઓને હોટેલ નથી મળી રહી.પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આગામી દિવસોમાં લોકોનો ધસારો હજું પણ વધશે. તેનું કારણ છે કે હિમાચલ પ્રદેશમાં પ્રવેશ કરવા માટે નેગેટિવ આરટીપીઆર રિપોર્ટ અને ઈ-કોવિડ પાસની શરત પાછી ખેંચવામાં આવી છે. જેથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે.
