શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે, જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજનો રહેશે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી છે. અમિત શાહે ટ્વીટ કરી કહ્યુ કે, સામાજિક સૌહાર્દને મજબૂત કરનારા આવા અભૂતપૂર્વ નિર્ણય માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેક શુભેચ્છા પાઠવુ છું.
અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યુ, ‘ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતીક ભગવાન શ્રીરામના મંદિર પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા માટે હું તેમને કોટી-કોટી અભિનંદન કરૂછું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ અને ગૌરવનો દિવસ છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ, ‘શ્રીરામ જન્મભૂમિ પર સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ અનુસાર આજે ભારત સરકારે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણની દિશામાં પોતાની કટિબદ્ધતા બતાવતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી ટ્રસ્ટ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
અમિત શાહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભાને જાણકારી આપી હતી કે કેબિનેટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે, તેમણે જણાવ્યુ કે આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ અને તેની સાથે જોડાયેલા વિષયો પર નિર્ણય લેવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે રામ મંદિર પર ઐતિહાસીક નિર્ણય દરમિયાન સરકારને ટ્રસ્ટની રચના કરવાનો આદેશ આપ્યો હતો.