અમિતાભ બચ્ચને કહ્યું કે તેમના મૃત્યુ બાદ તેમની તમામ સંપત્તિ તેમના સંતાનો વચ્ચે સરખે ભાગે વહેંચાશે. તેમણે કહ્યું કે દીકરી શ્વેતા અને દીકરા અભિષેક બંનેને સરખે ભાગે મારી સંપત્તિ વારસામાં મળશે. એક ઇવેન્ટ દરમ્યાન આ વાત તેમણે ત્યારે કરી હતી જ્યારે તેમને તેમની વસિયત વિશે પૂછવામાં આવ્યું હતું. ‘બેટી બચાઓ બેટી પઢાવો’ના બ્રાન્ડ એમ્બેસેડર એવા અમિતાભ જેન્ડર ઇક્વાલિટીને લઈને હંમેશાં અગ્રેસર રહ્યા છે.
માર્ચ 2017માં ટ્વીટ કર્યું હતું
માર્ચ 2017માં અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તેઓ એક પ્લકાર્ડ લઈને ઊભેલા દેખાતા હતા.કેપ્શનમાં તેમણે જેન્ડર ઇક્વાલિટીનો હેશટેગ મારી લખ્યું હતું કે, ફોટો બધું જ કહી રહ્યું છે. પ્લકાર્ડમાં લખ્યું હતું કે, ‘હું જ્યારે મરીશ ત્યારે મારી પાછળ જે સંપત્તિ છોડીને જઈશ તે મારી દીકરી અને દીકરા વચ્ચે સમાન રીતે વહેંચાશે.’

અમિતાભ બચ્ચન હાલ ‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. ઉપરાંત તેઓ 20 સપ્ટેમ્બરે રિલીઝ થનારી ડિરેક્ટર નાગરાજ મંજુલેની ફિલ્મ ‘ઝુંડ’માં જોવા મળશે. આ સિવાય તેમનો 2 ઓક્ટોબરે રિલીઝ થનારી ચિરંજીવી સ્ટારર ‘સઈ રા નરસિમ્હા રેડ્ડી’માં કેમિયો જોવા મળશે. ઉપરાંત તેમની અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ અને શુજીત સરકારની ‘ગુલાબો સીતાબો’ પણ લિસ્ટમાં સામેલ જ છે.