પંજાબના અમૃસરમાં ટ્રેન ધુર્ઘટનામાં અત્યાર સુધી 70 કરતાં વધુ લોકોના મોત નિપજ્યા હોવાના સમચાર મળી રહ્યા છે. આ ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર 27 પાસે બની હતી. જ્યારે ઘટના બની ત્યારે લોકો રાવણ દહનનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા અને ટ્રેક પર ઉભા હતા. આ સમય દરમિયાન ડીએમયુ ટ્રેન નંબર 74943 ત્યાંથી પસાર થઈ હતી.
રાવણ દહન વખતે ફટાકડાનો અવાજ વધુ હોવાથી લોકોને ટ્રેનના હોર્નનો અવાજ સંભળાયો ન હતો. આના કારણે 70 કરતાં વધુ લોકો મોતને ભેટયા હતા. પંજાબ સરકારે મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
પાછલા કેટલાય વર્ષોથી અહીં દશેરા પર્વ નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. નજરે જોનારા લોકોનું કહેવું છે કે આ વર્ષે પણ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દહન દરમિયાન ફટાકડાનો અવાજ વધુ હોવાથી ધસમસતી આવી રહેલી ટ્રેનના હોર્નનો અવાજ સાંભળી શક્યા ન હતા. ઘટના પછી તરત જ પોલીસ, જીઆરપી ટીમ રેસ્કયુ ઓપરેશન માટે પહોંચી ગઈ હતી. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
ટ્રેન હેઠળ ચગદાયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્રસિંહે શોકાંજલિ પાઠવી છે. રેલ વિભાગની બેદરકારી સીધી રીતે સામે આવી રહી છે. મૃત્યુઆંક વધવાની આશંકા સેવવામાં આવી રહી છે.