અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટે કોર્ટે રામલલાના વકીલને પૂછયું હતું કે શું ભગવાન રામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે. જે અંગે વકીલે કહ્યું હતું કે આ અંગે અમને કોઈ માહિતી નથી. જોકે જયપુરના રાજપરિવારનું કહેવું છે કે અમે ભગવાન રામના મોટા પુત્ર કુશના નામથી જાણીતા કચ્છવાહા કે કુશવાહા વંશના વંશજ છીએ.

તે વાત ઈતિહાસના પાનાઓમાં પણ નોંધાયેલી છે. રાજકુમારી દીયાકુમારીએ તેના કેટલાક પુરાવાઓ પણ રજૂ કર્યા. તેમણે એક પત્રાવલી બતાવી છે. જેમાં ભગવાન શ્રીરામના વંશના તમામ પૂર્વજોના નામ ક્રમ મુજબ આપવામાં આવ્યા છે. તેમાં 289માં વંશજના રૂપમાં સવાઈ જયસિંહ અને 307માં વંશજના રૂપમાં મહારાજા ભવાની સિંહનું નામ લખવામાં આવ્યું છે.

તે સિવાય પોથીખાનના નક્શામાં પણ છે. સિટી પેલેસના ઓએસડી રામદેવના જણાવ્યા અનુસાર, કુચ્છવાહા વંશને ભગવાન રામના મોટા પુત્ર કુશના નામ પર કુશવાહા વંશ પણ કહેવામાં આવે છે. તેની વંશવાલીના જણાવ્યા પ્રમાણે 62માં વંશજ રાજા દશરથ, 63માં વંશજ શ્રી રામ હતા. 289માં વંશજ આમેર-જયપુરના સવાઈ જયસિંહ, ઈશ્વરી સિંહ અને સવાઈ માધો સિંહ અને પૃથ્વી સિંહ રહ્યા. ભવાની સિંહ 307માં વંશજ હતા.