14મી ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો કરનાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ સેના અને સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં ઑપરેશન ઑલ આઉટ શરૂ કર્યુ છે. આ હુમલા બાદ અત્યાર સુધીમાં સેનાએ 21 દિવસમાં 18 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. આ ઑપરેશનમાં રવિવારે સેનાને મોટી સફળતા મળી હતી જેમાં સેનાએ પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડર મુદસ્સિર ખાનને ઠાર માર્યો હતો. મુદસ્સીર સહિત ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
સોમવારે શ્રીનગરમાં સેના અને પોલિસની એક સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં જીઓસી 15 કૉર્પના લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોનને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોના સંયુક્ત અભિયાનમાં આતંકવાદીઓની વિરુદ્ધ મોટી સફળતા મળી છે અને જ્યાં સુધી જૈશ-એ-મોહમ્મદનો સફાયો નહીં થાય ત્યાં સુધી આ અભિયાન શરૂ રહેશે.