દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે વિશાળ રોડ શો બાદ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા પરંતુ રેલીમાં મોડું થઈ જતાં તેઓ ઉમેદવારી ફોર્મ નહોતા ભરી શક્યા.
રોડ શોમાં વધારે સમય લાગતા કેજરીવાલને વચ્ચે જઈને ઉમેદવારી ફોર્મ ભરી આવવા કહેવામાં આવ્યું હતું કારણ કે, કાર્યાલય બપોરે ત્રણ કલાકે બંધ થઈ જતું હોય છે. જો કે, કેજરીવાલે રોડ શો દરમિયાન એકઠા થયેલા લોકોને મુકીને પોતે કઈ રીતે જઈ શકે તેવું કારણ આપીને ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે, એટલે કે મંગળવારે(આજે) તેઓ પરિવાર સાથે જઈને ઉમેદવારી નોંધાવશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી કેજરીવાલે સોમવારે વાલ્મિકી મંદિરમાં પૂજા કર્યા બાદ રોડ શોની શરૂઆત કરી હતી. રેલી દરમિયાન કેજરીવાલના સમર્થકો હાથમાં ઝાડુ લઈને આવ્યા હતા અને ‘અચ્છે બીતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ’ નારો બોલાવ્યો હતો. રેલી દરમિયાન કેજરીવાલે પીળા રંગની ખુલ્લી જીપમાં ઉભા રહીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું અને તેમનો પરિવાર તેમના પાછળ ઉભો રહ્યો હતો. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત સંજય સિંહ, ગોપાલ રાય વગેરે પણ રેલીમાં હાજર રહ્યા હતા.