બોટલ્ડ મિનરલ વૉટર બનાવતી પ્રખ્યાત કંપની બિસ્લેરીના પાણી પર આસામમાં એક મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કંપનીના કમાલપુર પ્લાન્ટના પાણીનો કરાયેલો ટેસ્ટ સરકારી ધારાધોરણ મુજબ નિષ્ફળ નીવડતાં આસામની સરકારે બિસ્લેરી પર એક માસનો પ્રતિબંધ લાદ્યો હતો.
આસામના ફૂડ સેફ્ટી કમિશનરના પ્રવક્તાએ જણાવ્યા મુજબ પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ નિર્ધારિત પ્રમાણ કરતાં ઘણું વધારે હતું એવું જણાતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી કમિશનર ચંદ્રિકા બરુઆએ 12 સપ્ટેંબરથી આ પ્રતિબંધ અમલમાં આવે છે એવો આદેશ બહાર પાડ્યો હતો.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 3(1) અન્વયે બિસ્લેરીના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ આરોગ્યને હાનિકારક નીવડે એટલું બધું હતું એટલે આ નિર્ણય લેવાયો હતો એમ પ્રવક્તાએ કહ્યું હતું. ફૂડ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે સામાન્ય રીતે પીવાના પાણીમાં એક એમજી ફ્લોરાઇડ સ્વીકાર્ય હોય છે.
બિસ્લેરીના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ દર લિટરે 6.25 એજી હતું જે આરોગ્ય માટે હાનિકારક ગણાય છે માટે બિસ્લેરીના પાણી ઉત્પાદન તથા વપરાશ પર એક મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એકાદ માસમાં બિસ્લેરીએ પોતાના પાણીની ગુણવત્તા સુધારવાની રહેશે નહીંતર ફરી ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર પડ્યે ફરી પ્રતિબંધ લાદવામાં આવશે.
આ પ્રતિબંધ દરમિયાન કંપની પાણીનું ઉત્પાદન, સ્ટોરેજ અને વપરાશ ચાલુ રાખવા માગતી હોય તો ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીની હાજરીમાં કરી શકશે એમ પણ આ આદેશમાં જણાવાયું હતું. આ મહિના દરમિયાન કંપનીના ઉત્પાદનની સતત ચકાસણી થતી રહેશે.