આસામમાં લઠ્ઠાકાંડના કારણે 102 લોકોના મોત થયા. ત્યારે અનેક લોકો એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંક પણ વધી શકે છે. લઠ્ઠાકાંડની ઘટના બાદ દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડી હજારો લીટર દારૂના જથ્થાનો નાશ કર્યો છે. આ સાથે 10થી વધારે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
દારૂના કારણે જોરહાટમાં સારવાર લઈ રહેલા 221 લોકોમાંથી 35 લોકોના મોત થયા જ્યારે ગોલાઘાટમાં 93માંથી 59 લોકોના મોત થયા. ત્યારે કોંગ્રેસે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારને સહાય કરવાની માગ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાલમારા ચાના બગીચાના મજૂરોએ ગુરુવારે વેતન મળ્યા બાદ એક દુકાનેથી દારૂની ખરીદી કરી હતી. જેને પીતાની સાથે ચાર મહિલાનું મોત થયુ હતુ અને તેના 12 કલાક બાદ અન્ય લોકોના મોત થયા હતા.