પાકિસ્તાનનો દાવો છે કે ભારતે તેમના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરનું કહેવું છે કે ભારતના વિમાનોએ મુઝફ્ફરાબાદમાં ઘૂસણખોરી કરી પણ પાકિસ્તાનની ત્વરિત કાર્યવાહીથી પીછેહઠ કરવી પડી.
ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40થી વધારે જવાનોએ જીવ ગુમાવ્યો હતો અને પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.
ભારતીય મીડિયામાં ઇંડિયન ઍરફૉર્સના સૂત્રોના હવાલાથી કહેવાઈ રહ્યું છે કે ભારતના ફાઇટર વિમાનોએ ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અને ઠેકાણાંઓ તબાહ કરી દીધાં છે.
જોકે ભારત તરફથી આ અંગે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. પાકિસ્તાનમાં આ અંગે ખળભળાટ મચ્યો છે. કેટલાક પાકિસ્તાની પત્રકારોનું કહેવું છે કે ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નહીં પણ બાલાકોટમાં હુમલો કર્યો છે.
પાકિસ્તાની પત્રકાર મુશર્રફ ઝૈદીએ ટ્વીટ કરી કહ્યું છે, “બાલાકોટ આઝાદ કાશ્મીરમાં નથી. જો ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં બૉમ્બ વરસાવ્યા હતા, તો આ તો એલઓસી અને સ્વતંત્ર કાશ્મીરની પાર છે. બાલાકોટ ખૈબર પખ્તુખ્વામાં છે. ઇંડિયાએ માત્ર નિયંત્રણ રેખા જ પાર નથી કરી, આ પાકિસ્તાન પર હુમલો છે.”
પાકિસ્તાની પત્રકાર મુશર્રફ ઝૈદી સહિત જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લા પૂછી રહ્યા છે કે આ બાલાકોટ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનું બાલાકોટ છે કે ખૈબર પખ્તુખ્વાનું બાલાકોટ છે?
આ વચ્ચે પાકિસ્તાનના આર્મી પ્રવક્તાએ ટ્વીટ કરીને માહિતી આપી છે, “ભારતીય ફાઇટર વિમાન એલઓસી પાર મુઝ્ઝફરાબાદ સૅક્ટરમાં ત્રણ-ચાર કિલોમિટર સુધી ઘૂસી આવ્યા હતા. કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.”