અયોધ્યા જમીન વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે 40માં દિવસે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દેશના દાયકાઓ જૂના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં બુધવારે ઐતિહાસિક સુનાવણીનો અંત આવ્યો છે. 40 દિવસો સુધી ચાલેલી આ સુનાવણી બાદ બંધારણ પીઠે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, આ મામલે 23 દિવસની અંદર ચુકાદો આવશે.
હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપની માંગ કરી હતી, જેને ફગાવતા CJIએ જણાવ્યું કે, હવે બહુ થઈ ગયું છે. કોઈ પણ સ્થિતિમાં આ મામલે સુનાવણી સાંજે 5 વાગ્યા સુધીમાં પૂરી થઈ જવી જોઈએ.
કોર્ટમાં બન્ને પક્ષોના વકીલોએ તમામ દસ્તાવેજો જમા કરાવી દીધા છે. જ્યારે મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અન્સારીએ જણાવ્યું કે, અમે દેશનો વિકાસ ઈચ્છીએ છીએ. અમને કોર્ટનો નિર્ણય મંજૂર હશે.
સુપ્રીમ કોર્ટમાં નાટક
સુનાવણી દરમિયાન નાટક પણ જોવા મળ્યું હતું. રામ મંદિર પર હિન્દુ મહાસભાના વકીલે ઓક્સફોર્ડના પુસ્તકનો આધાર આપ્યો. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પુસ્તકનો નક્શો ફાડી નાંખ્યો હતો. જેને પગલે મુસ્લિમ પક્ષના વકીલ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નારાજ જોવા મળ્યા હતા. તેણે જણાવ્યું કે, જો આવું જ ચાલતુ રહ્યું, તો તેઓ બેઠક છોડીને જતા રહેશે.
અગાઉ મંગળવારે સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલ સીએસ વૈધનાથનને જણાવ્યું કે, બુધવારે તેઓ 45 મિનિટ સુધી ચર્ચા કરી શકશે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પૂછ્યું કે, શું મોલ્ડિંગ ઓફ રિલીફ પર પણ બુધવારે ચર્ચા થશે? કોર્ટે જણાવ્યું કે, બુધવારે 1 કલાક મુસ્લિમ પક્ષ પોતાનો જવાબ રજૂ કરશે. ચારે પક્ષકારોને 45-45 મિનિટ મળશે.
અયોધ્યા મામલે આજે સુનાવણી સમાપ્ત થવાની આશા છે. મોલ્ડિંગ ઓફ રિલીફ પર પણ આજે સુનાવણી થઈ શકે છે. મંગળવારે સુનાવણી દરમિયાન એક હિંદૂ પક્ષે દલીલ કરી હતી કે, ભારત વિજય બાદ મુઘલ શાસક બાબર દ્વારા અંદાજે 433 વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થાન પર મસ્જિદનું નિર્માણ કરીને ઐતિહાસિક ભૂલ કરવામાં આવી હતી, જેને હવે સુધારવાની આવશ્યક્તા છે.
પીઠ સમક્ષ એક હિન્દૂ પક્ષકાર તરફથી હાજર થયેલા પૂર્વ એટર્ની જનરલ અને વરિષ્ઠ વકીલ કે પરાસરણે જણાવ્યું કે, અયોધ્યામાં અનેક મસ્જિદો છે, જ્યાં મુસ્લિમો બંદગી કરી શકે છે, પરંતુ હિન્દૂ ભગવાન રામનું જન્મ સ્થાન નહી બદલી શકે.
સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય દ્વારા 1961માં દાખલ કેસમાં પ્રતિવાદી મહંત સુરેશ દાસ તરફથી હાજર વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, વિદેશી શાસક બાબર દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક ભૂલને સુધારવાની જરૂરત છે. બાબરે ભગવાન રામના જન્મ સ્થાન પર મસ્જિદનું નિર્માણ કરીને ઐતિહાસિક ભૂલ કરતા જણાવ્યું હતું કે, હું બાદશાહ છું અને મારો આદેશ કાનૂન છે.
તેમણે જણાવ્યું કે ,અયોધ્યામાં મુસ્લિમ કોઈ પણ મસ્જિદમાં ઈબાદત કરી શકે છે. એકલા અયોધ્યામાં 55-60 મસ્જિદો આવેલી છે, પરંતુ હિંદૂઓ માટે આ ભગવાન રામનું જન્મ સ્થાન છે, જેને આપણે બદલી નથી શકતા.
સંવિધાન પીઠે પરાસરણને પરિસીમાના કાનૂન વિપરીત કબ્જાના સિદ્ધાંત અને અયોધ્યામાં 2.77 એકર વિવાદિત ભૂમિથી મુસ્લિમોને હાંકી કાઢવા સબંધિક અનેક સવાલો પૂછ્યા. પીઠે એ પણ જાણવા માંગ્યું કે, શું મુસ્લિમ અયોધ્યામાં કથિત મસ્જિદ 6 ડિસેમ્બર 1992ના રોજ ધ્વસ્ત કરવામાં આવ્યા બાદ પણ વિવાદિત સંપત્તિ વિશે ડિક્રીની માંગ કરી શકે છે?
પીઠે પરાસરણને જણાવ્યું કે, તેઓ કહે છે કે, એક વખત મસ્જિદ છે, તો કાયમ મસ્જિદ જ રહેશે, શું તમે એ વાતનું સમર્થન કરો છો? જેનો જવાબ આપતા પરાસરણે જણાવ્યું કે, ના હું તેનું સમર્થન નથી કરતો. હું કહીશ કે, એક વખત મંદર છે, તો ત્યાં કાયમ મંદિર જ રહેશે.