અયોધ્યા વિવાદ પર 6 ઓગસ્ટ 2019થી શરૂ થયેલી મેરેથોન સુનાવણી 16 ઓક્ટોબરે પૂરી થવાની સંભાવના છે. આ વિવાદ 15મી સદીથી ચાલ્યો આવે છે, પરંતુ 1813માં પહેલીવાર પ્રકાશમાં આવ્યો. હાઈકોર્ટે 2010ના પોતાના ચુકાદામાં વિવાદિત જમીનને ત્રણ હિસ્સામાં વહેંચવાનું કહ્યું હતું. પછી 2011માં કેસ સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો.
1813: પ્રથમવાર મંદિર પર દાવો કર્યો
1813માં પ્રથમવાર હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે વર્ષ 1528માં બાબરે રામમંદિર તોડી મસ્જિદ બનાવી. ત્યારે બંને પક્ષો વચ્ચે હિંસા થઈ હતી. 1859માં બ્રિટિશ સરકારે વિવાદિત સ્થળે તારની વાડ બનાવી. 1885માં પ્રથમવાર મહંત રઘુવરદાસે બ્રિટિશ અદાલત સમક્ષ મંદિર બનાવવાની અનુમતિ માંગી.
1934: પ્રથમવાર માળખું તોડાયું
વિવાદિત ક્ષેત્ર પર હિંસા. પ્રથમવાર વિવાદિત હિસ્સો તોડાયો. બ્રિટિશ સરકારે મરામત કરાવી. 23 ડિસે. 1949ના રોજ હિંદુઓએ કેન્દ્રીય સ્થળે રામલલાની મૂર્તિ મૂકી પૂજા શરૂ કરી. પછી મુસ્લિમ પક્ષે નમાજ બંધ કરી કોર્ટમાં ગયા.
1950: વિશારદે પૂજાની મંજૂરી માંગી
ગોપાલસિંહ વિશારદે ફૈઝાબાદ અદાલત સમક્ષ રામલલાની પૂજા માટે વિશેષ મંજૂરી માંગી. ડિસેમ્બર 1959માં નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળ હસ્તાંતરિત કરવાની તો ડિસેમ્બર 1961માં ઉ.પ્ર. સુન્ની વકફ બોર્ડે બાબરી મસ્જિદના માલિકી હક માટે કેસ દાખલ કર્યો.
1984: વિહિપે મુદ્દો બનાવ્યો
વિહિપે બાબરી મસ્જિદનું તાળું ખોલવા, રામજન્મ સ્થળને સ્વતંત્ર કરવા અને મંદિર નિર્માણ માટે અભિયાન શરૂ કર્યું, અનેક સ્થળે દેખાવો કર્યા. ભાજપે પણ આ મુદ્દાને હિન્દુ અસ્મિતા સાથે જોડીને સંઘર્ષ શરૂ કર્યો.
1986: બાબરી એક્શન કમિટી
ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશે પૂજાની મંજૂરી આપી. તાળું ફરી ખુલ્યું. નારાજ મુસ્લિમોએ બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી. 6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકોએ માળખું તોડી પાડ્યું. ડિસે. 1992માં લિબ્રેહાન પંચ રચાયું.
2002: હાઈકોર્ટમાં સુનાવણી શરૂ
વિવાદિત સ્થળના માલિકીહક માટે હાઈકોર્ટમાં 3 જજની બેન્ચે સુનાવણી શરૂ કરી. 2003માં હાઈકોર્ટના નિર્દેશ અનુસાર પુરાતત્ત્વ સર્વેક્ષણે ખોદકામ કર્યું. વિભાગનો દાવો છે કે મસ્જિદ નીચે મંદિરના અવશેષ હોવાના પુરાવા મળ્યા છે.
2010: હાઈકોર્ટના ચુકાદાને પડકાર
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે વિવાદિત ક્ષેત્રને રામલલા બિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડને 3 સરખા હિસ્સે વહેંચવાનો ચુકાદો આપ્યો. ફેબ્રુ. 2011માં હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારાયો. મે-2011માં સુપ્રીમની બે સભ્યની બેન્ચે સુનાવણી શરૂ કરી.
2017-19: મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ
હાઈકોર્ટ દ્વારા મોકલાયેલા દસ્તાવેજોનું અનુવાદ નહીં થવાથી કેસ ટળતો રહ્યો. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની રજૂઆત કરી. જે નિષ્ફળ રહી. 6 ઓગસ્ટ 2019થી સુપ્રીમકોર્ટે રોજ સુનાવણી શરૂ કરી.
