PMC બેંક કૌભાંડ જેવી ઘટના ન બને તે માટે RBIએ મહત્વનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે શહેરી સહકારી બેંકો (UCB) માટે ધિરાણ આપવાના નિયમો અંગેનો પરિપત્ર જારી કર્યો. જે હેઠળ આ બેન્કો તેમની લોનનો મોટાભાગનો હિસ્સો એક જ ગ્રાહકને આપી શકશે નહીં. જો આ પ્રસ્તાવ લાગુ થશે તો કોઈપણ શહેરી સહકારી બેંકના લોન પોર્ટફોલિયોનો અડધાભાગનો હિસ્સો નાની લોનોનો હશે. RBIના આ નિર્ણયથી ફાયદો એ છે કે, સહકારી બેંકની લોન વધુ લોકોમાં વહેંચાશે અને એક અથવા વધુ લોન લેનાર ડિફોલ્ટ થવાથી બેંક ડુબશે નહીં.
એકબીજા સાથે જોડાયેલા ગ્રાહકોને 25 ટકાથી વધુ લોન મળશે નહીં
RBIના ડ્રાફ્ટ પરિપત્ર મુજબ, શહેરી સહકારી બેન્કો કોઈપણ એક વ્યક્તિને તેમના ટાયર-1 કેપિટલનો મહત્તમ 10 ટકા હિસ્સો જ લોન તરીકે આપી શકશે. આ ઉપરાંત બેંકો એકબીજા સાથે જોડાયેલા ગ્રાહકોનાં જૂથને તેમની ટાયર-1 મૂડીની મહત્તમ 25 ટકા લોન જ આપી શકશે.. બીજી દરખાસ્ત એવી છે કે, અર્બન સહકારી બેંકની ઓછામાં ઓછી 50 ટકા લોન નાના કદની હશે. નાના કદનો મતલબ એક ગ્રાહકને વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધીની લોન… ડ્રાફ્ટમાં યુસીબી માટે પ્રાથમિક ક્ષેત્રોને લોનનું લક્ષ્ય વધારી દીધું છે.
RBIએ 20 જાન્યુઆરી સુધીમાં ડ્રાફ્ટ પરિપત્ર અંગે માંગ્યો હતો અભિપ્રાય

આરબીઆઈએ કહ્યું કે, નવા નિયમોને કારણે UCBની મોટાભાગની મૂડી કેટલાક લોકો પાસે જ લોન સ્વરૂપે નહીં જાય અને લોન લેનારાઓની સંખ્યા વધશે. આરબીઆઈએ 20 જાન્યુઆરી 2020 સુધીના તેના ડ્રાફ્ટ પરિપત્ર પર લોકોનો અભિપ્રાય માંગ્યો છે.
PMC બેંક કૌભાંડ

નોંધપાત્ર વાત એ છે કે પીએમસી બેંકે તેની કુલ લોનમાંથી 73% (લગભગ 6,226 કરોડ રૂપિયા) HDILને આપી હતી. ત્યારબાદ એચડીઆઈએલે નાદારી માટે અરજી કરી. પીએમસી બેંકના ડૂબી જવાથી તેના ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ. આરબીઆઈએ અગાઉ બેંકમાંથી ઉપાડ પર ફક્ત 1000 રૂપિયાની મર્યાદા લગાવી હતી, જે પછીથી ધીમે ધીમે વધારીને રૂ.50,000 કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન રોકડની સમસ્યાને કારણે અનેક બેંક ગ્રાહકોએ આત્મહત્યા કરી હતી.