Battlegrounds Mobile India (BGMI) ગૂગલ પ્લે સ્ટોર અને એપલની એપમાંથી અચાનક ગાયબ થઈ ગયું છે. સ્ટોરમાંથી BGMI ના ગાયબ થવાથી ગેમ પ્લેયર્સ નારાજ છે અને BGMI હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે 2020 માં PUBG ના પ્રતિબંધ પછી, BGMI ને PUBG ના નવા અવતાર તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે.
સ્ટોરમાંથી BGMI દૂર કરવા માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. ગૂગલે પ્લે સ્ટોર પરથી બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાને હટાવવા અંગે નિવેદન જારી કર્યું છે. ગૂગલે કહ્યું છે કે તેણે સરકારના આદેશ બાદ તેના એપ સ્ટોરમાંથી બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાને હટાવી દીધું છે. ઘણા લોકો એવું પણ કહે છે કે તાજેતરમાં જ ગેમ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓને કારણે એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, ગૂગલના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાને હટાવવાનું સરકારી આદેશનું પાલન કરવામાં આવ્યું હતું, જોકે એપને શા માટે દૂર કરવાની સૂચના આપવામાં આવી તે અંગે માહિતી જાણી શકાઈ ન હતી.
નોંધનીય છે કે આ ગેમને ડેવલપ કરનારી કંપની ક્રાફ્ટનએ પણ ભારતમાં BGMI લોન્ચ કરતા પહેલા ચીનની કંપની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને કહ્યું હતું કે ભારતીય યુઝરનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવામાં આવશે અને યુઝર્સની ગોપનીયતા ધ્યાન રાખવામાં આવશે.. કંપનીએ ભારતમાં આ ગેમ માટે $100 મિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. તેના યુઝર્સની સંખ્યા 100 મિલિયનને પાર કરી ગઈ છે.