આપણે ઘણીવાર જોતા હોઇએ છીએ કે, જ્યારે મુખ્યમંત્રીનો કાફલો રસ્તા પર નીકળે છે, ત્યારે બધો ટ્રાફિક અટકાવી દેવામાં આવે છે, જેમાં એમ્બ્યુલન્સને પણ અટકાવી દેવામાં આવે છે. આ વાતને ધ્યાને રાખતા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પોતાની સુરક્ષાનો રિવ્યૂ કરતા નિર્ણય કર્યો છે કે રાજધાની કે સમગ્ર રાજ્યમાં કોઇપણ જગ્યાએ તેમના પ્રવાસ વખતે મુખ્યમંત્રીના કોન્વોયને કારણે કોઇપણ એમ્બ્યુલન્સને રોકવામાં ન આવે. આવી કોઇપણ ઘટના સામે આવશે તો જે તે જવાબદાર અધિકારી પર એક્શન લેવામાં આવશે. આ સાથે જ CM બઘેલે સુરક્ષા કાફલામાં 4 ગાડી ઓછી કરવાનો પણ આદેશ આપ્યો છે. તેમના આ નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ CM પદના શપથગ્રહણ બાદ સુરક્ષા એજન્સીઓએ ભુપેશ બઘેલ માટે નવી સુરક્ષા કેટેગરી ફાઇનલ નથી કરી, એવામાં હાલમાં તેમને CMની સુરક્ષા મુજબ જરૂરી પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં પ્રોટેક્શન રિવ્યૂ ગ્રુપ બેઠક કરીને CM સાથે નવા મંત્રીઓની પણ સુરક્ષા નક્કી કરવામાં આવશે.
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહની સુરક્ષાની વાત કરીએ તો તેમની સુરક્ષામાં CRPF અને NSGના બ્લેક કેટ કમાન્ડો તૈનાત હતા. રમણ સિંહના કાફલામાં 13 ગાડીઓ અને સાથે બે ડઝનથી વધુ જવાન હાજર રહેતા હતા. નવા CMએ હાલમાં આ બધાથી અંતર જાળવવાનું નક્કી કર્યું છે. રિપોર્ટ મુજબ નવા મુખ્યમંત્રીના કાફલામાં 9 ગાડી હશે.