RTI એક્ટ હેઠળ બાળકોને મફતમાં અને ફરજીયાત શિક્ષણના અધિનિયમ 2009ની કલમ-16માં ભારત સરકારે 10મી જાન્યુઆરી 2010માં મહત્વનો સુધારો કરતા રાજ્ય સરકારે પણ 21 સપ્ટેમ્બર 2019થી એક જાહેરનામું બહાર પાડીને બાળકોને મફત શિક્ષણનો અધિકાર નિયમ 2012ના નિયમ 24માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી.
પ્રાથમિક શિક્ષણમાં પરિણામલક્ષી અને ગુણવત્તાલક્ષી પરિવર્તન લાવવાના ઉમદા હેતુથી આ મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. RTI એક્ટ 2009ની કલમ 16 મુજબ કોઈપણ ધોરણ.1થી 8 સુધીના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે નહીં, તેવી જોગવાઈ હતી. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા RTI એક્ટ કલમ-16માં સુધારો કરતા રાજ્ય સરકાર દ્વારા પણ RTI રૂલ્સમાં કરવામાં આવ્યા છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, સુધારાના પરિણામે મહત્વનો ફેરફાર થશે. આ ફેરફાર અંતર્ગત દરેક શૈક્ષણિક વર્ષને અંતે ધોરણ.5 અને 8માં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાથી જો નાપાસ થાય તો વાર્ષિક પરીક્ષા પછીના બે માસના સમયગાળા દમિયાન વધારાનું શિક્ષણ પુરૂ પાડી પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે, તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ કરવામાં આવશે. આ પરીક્ષાઓ જી.સી.ઇ.આર.ટી.દ્વારા લેવામાં આવશે. આ જોગવાઇનો અમલ શૈક્ષણિક વર્ષ 2019-20થી કરાશે. આ પરીક્ષાઓમાં નાપાસ થયેલ બાળક અન્ય શાળામાં પ્રવેશ મેળવે તેવા સંજોગોમાં ઉંમર આધારિત પ્રવેશને બદલે તે બાળક જે ધોરણમાં નાપાસ થયેલ હોય તેજ ધોરણમાં પુનઃપ્રવેશ આપવાનો રહેશે.