લોકસભા ચૂંટણીની સિઝન શરૂ થતાં મોદી સરકાર દ્વારા રાહતોની લહાણી કરવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ નાના વેપારીઓને પડતી જીએસટીની મુશ્કેલીઓને પણ મુદ્દો બનાવ્યો હતો. આજે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાના વેપારીઓને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જીએસટી કાઉન્સીલે કમ્પોઝીશન સ્કીમની મર્યાદા એક કરોડથી વધારીને દોઢ કરોડ કરી દીધી છે. સાથે જ કમ્પોઝીશન સ્કીમની જેમ જ વર્ષમાં હવે એક વાર જ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. એટલે કે દોઢ કરોડ સુધીના વાર્ષિક ટર્ન ઓવર કરનારા વેપારીઓ કમ્પોઝીશન સ્કીમમાં સામેલ થઈ શકશે. આ ઉપરાંત પહેલાં કરતાં હવે પછીની જીએસટી ભરવાની પ્રક્રિયાને પણ સરળ કરી દેવામાં આવી છે. આ ફેરફાર પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે.
આ સિવાય કાઉન્સીલે જીએસટીની થ્રેસ હોલ્ડ લિમિટ 20 લાખ રૂપિયાથી વધારીને 40 લાખ રૂપિયા કરી દીધી છે. મતલબ કે હવે 40 લાખ સુધીનું વાર્ષિક ટર્ન ઓવર કરનારા વેપારીઓ જીએસટીના દાયરાથી બહાર રહી શકશે. નાના રાજ્યો માટે આ મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરી દેવામાં આવી છે. કાઉન્સીલે પૂરની માર ખાનારા કેરળને એક ટકા સેસમાં રાહત આપવાનું પણ જાહેર કર્યું છે.
આ સિવાય જીએસટી કાઉન્સીલે એસએમઈને વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની છૂટ આપી છે. જો કે આ નાના વેપારીઓ દર ત્રણ મહિને ટેકસ ભરવો પડશે. પહેલા તેઓએ દર ત્રણ મહિને રીટર્ન પણ ભરવાનુ હતું. આ ઉપરાંત અન્ડર કન્સ્ટ્રકશન પ્રોજેકટ ઉપર જીએસટીને લઈને ચર્ચા થઈ હતી પરંતુ રાજકીય મતભેદો ઉભા થતા મામલો મંત્રીઓના ગ્રુપ (જીઓએમ)ને સોંપવા નિર્ણય લેવાયો હતો. આ અંગે જીઓએમની ભલામણ બાદ ફેંસલો લેવામાં આવશે.