યુપીમાં હિન્દુ નેતા કમલેશ તિવારીનાના હત્યારા કેસના ફરાર આરોપી અશફાકના હદયમાં કટ્ટરતાના બીજ હતા. જોકે તેને લઈને વધુ એક સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. તે પોતાનું નામ બદલી કમલેશ તિવારીની હિન્દુ સમાજ પાર્ટી સાથે જોડાયો હતો.

જીએસટીવી પાસે રહેલી એક્સક્લુઝીવ માહિતી મુજબ હિન્દૂ સમાજ પાર્ટીએ કટ્ટર હિન્દુ યુવાન સમજીને તેને સુરત આઈટી સેલ વરાછા વોર્ડનો પ્રચારક પણ બનાવ્યો હતો. હિન્દુ સમાજ પાર્ટીમાં નામ બદલી રોહિત સોલંકી બનનાર અશફાકને નિયુક્તિ પત્ર પણ આપ્યો હતો. ફરાર આરોપી અશફાક કમલેશ તિવારી અને ગુજરાત હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ જૈમીન બાપુ સાથે જોડાયો હતો.

આ ફેસબુક એકાઉન્ટ થકી તે બંને સાથે વાતો કરતો હતો. અને ધીમે ધીમે કમલેશ તિવારીની હિંદુ સમાજ પાર્ટીમાં જોડાઈ ગયો હતો. જેનો એક લેટર હાલ સામે આવ્યો છે .જેમાં તેને અભિનંદન આપતા જણાવવામાં આવ્યું છે કે સુરત આઈટી સેલ વરાછા વોર્ડના પ્રચારક બનાવ્યો હતો.

આ લેટર ૩૦મી જૂન 2019નો છે, જેનાથી અંદાજો લગાવી શકાય કે આ લોકો ઘણા સમયથી યોજનાબદ્ધ રીતે કમલેશ તિવારીની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા. કમલેશ તિવારીને મળવા માટે આજ નામની ઓળખ આપી અશફાક લખનઉ ગયો હતો. અશફાકે આ નામ પોતાના કંપનીના મેડિકલ રીપ્રેઝન્ટેટિવ રોહિત સોલંકીનું વાપર્યું હતું.

પાર્ટીમાં સામેલ થવા માટે તેણે પાર્ટીને ફંડ પણ આપ્યુ હોવાની હકીકત જાણવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ અંગેની તમામ માહિતી પાર્ટી દ્વારા ગુજરાત એટીએસને આપી હોવાનું જાણવા મળે છે. ત્યારે હવે ગુજરાત એટીએસ આ મામલે તપાસ કરશે.