બિહાર વિધાનસભામાં મંગળવારે ભારે હંગામા બાદ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ રાજ્ય સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. રાબડી દેવીએ ટ્વિટ કરતા નિતિશ કુમારને ટોણો માર્યો અને તેમની સરખામણી મહાભારતના ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી. રાબડી દેવીએ ટ્વિટ કરી કે,‘વિધાનસભામાં મહિલા ધારાસભ્યોનું ચીરહરણ થતું રહ્યું. જાહેરમાં તેમની સાડીઓ ખેંચવામા આવી, તેમને બ્લાઉઝમાં હાથ નાંખી ખેંચવામા આવી, અમાનવીય રીતે દુર્વ્યવહાર કરાયો અને નગ્નતાની પરાકાષ્ટા પાર કરી ચૂકેલા નિતિશ કુમાર ધૃતરાષ્ટ્ર બની જોતા રહ્યાં. સત્તા તો આવશે અને જશે પણ ઈતિહાસ તમને માફ નહીં કરે.’બીજી તરફ વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્યમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે,‘નિતિશ કુમારજીને જાણ હોવી જોઈએ સરકારો બદલાય છે. કાલે વિધાનસભાની અંદર ધારાસભ્યો સાથે જે દુર્વ્યવહાર અને મારામારી થઈ. તે અંગે નિતિશ માફી નહીં માંગે તો અમે આગામી સંપૂર્ણ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન વિધાનસભાના તમામ સત્રનો બહિષ્કાર કરી શકીએ છીએ. નિર્લજ કુમારજીએ તમામ મર્યાદા ગુમાવી દીધી છે.’બિહાર વિધાનસભામાં હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો, વિપક્ષના ધારાસભ્યોએ આજે આંખો પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કે, ‘સરકારે પણ આ જ રીતે આંખે કાળી પટ્ટી બાંધી રાખી છે. જ્યાંસુધી મુખ્યમંત્રી-ડીએમ માફી નહીં માંગે ત્યાંસુધી અમે પણ વિધાનસભાનો બહિષ્કાર કરીશું.’
