બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતા રાજ્યભરમાં ઉમેદવારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધને લઈ સરકાર ગંભીર થતા આખી પરીક્ષા રદ કરાઇ હતી સાથે તેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. જે હેઠળ સ્થાનિક પોલીસે બુધવારે 6 લોકોની ધરપકડ કરી છે. ત્યારે હવે ગુરુવારે બિનસચિવાલય પેપરલીકને લઈ વધુ એક મોટો અને નવો ખુલાસો થયો છે.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપરલીક અંગે વિપક્ષી દળ કોંગ્રેસે તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પાર્ટીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા છે. કોંગ્રેસે કહ્યું કે આરોપી ફારુક કુરેશી ભાજપનો કાર્યકર છે. આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉપરાંત કોંગ્રેસે કહ્યું કે સરકાર પરીક્ષાના નામે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવે છે. પેપરકાંડ અંગે કોંગ્રેસે જ પુરાવા આપ્યા હતા અને કોંગ્રેસે જ SIT તપાસની માગણી કરી હતી. ભાજપે પોતાની નિષ્ફળતા છુપાવવા કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે.