ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ટેલિકોમ ઓપરેટર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) વર્તમાન સમયમાં તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ગામડાઓમાં ફોન કનેક્ટિવિટીને સાકાર કરનારી BSNL છેલ્લા કેટલાક વર્ષોથી નુકશાન ઉઠાવી રહી છે. કંપનીની સ્થિતિ એવી થઈ ગઈ છે કે, તે ગમે ત્યારે બંધ થઈ શકે છે. મોદી સરકાર આ કંપનીને કોઈને વેચી શકે છે અથવા તો બંધ કરી શકે છે. BSNLને વર્ષ 2015-16 અને 2017-18 દરમિયાન કુલ 17,645 કરોડ રૂપિયાનું નુકશાન થયુ હતું જ્યારે 2018-19માં 14,000 કરોડ રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યુ હતુ. છેલ્લા ચાર વર્ષ દરમિયાન કંપનીને કુલ 32,000 કરોડ રૂપિયાનું નુકશાન ઉઠાવવું પડ્યુ છે. કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે, સરકાર BSNLની સાથે સાથે MTNLને પણ બંધ કરી શકે છે.
BSNLના પૂર્વ ફાયનાન્સિયલ ડાયરેક્ટર એમડી વર્માએ ફાયનાન્સિયલ એક્સપ્રેસ ઓનલાઈનને જણાવ્યુ કે, સરકાર માટે તે કહેવું સરળ છે કે તેઓ કંપની બંધ કરી શકે છે. પરંતુ હકીકત તે છે કે, આ કંપનીએ સરકારને ભારે રિટર્ન આપ્યું છે.
તેમણે આગળ જણાવ્યુ કે, કંપનીની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. સરકારે જેટલું રોકાણ કંપનીમાં કર્યુ હતુ તેનાથી વધારે નફો કંપનીએ 2008 સુધી સરકારને કરીને આપ્યો છે. આ કોમ્યુનિકેશનની એકમાત્ર કંપની છે જે ગામડાઓમાં સેવાઓ પ્રદાન કરે છે. આ પ્રકારે કંપનીને બંધ કરવી યોગ્ય નથી.
એસડી સક્સેનાએ જણાવ્યુ કે, કંપની મોબાઈલમાં પણ નોંધનિય પ્રદર્શન કરી રહી હતી, પરંતુ ટેન્ડરિંગની ચોક્કસ જરૂરિયાતોને કારણે મોબાઈલ ક્ષેત્રમાં પાછળ રહી ગઇ. ટેન્ડરને યોગ્ય સમયે બહાર ન પાડવાને કારણે કંપની હાલ તે પરિસ્થિતિમાં આવી ગઈ છે. સરકાર હવે કંપનીને બંધ કરવાના રસ્તે આગળ વધી રહી છે.
જોકે, એવા પણ સમાચાર મળ્યા હતા કે, સરકાર BSNL, MTNL માટે 70,000 કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ પર વિચાર કરી રહી હતી પરંતુ કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે, નાણા મંત્રાલયે આ પ્રસ્તાવને ફગાવી દીધું છે. સાથે જ BSNL અને MTNLને બંધ કરવાનું સૂચન આપ્યુ છે.