મધ્ય પ્રદેશમાં હવે દારૂનું ઓનલાઈન વેચાણ કરવામાં આવશે. એટલે કે, તમે ઘરે બેઠા-બેઠા દારૂ મંગાવી શકો છો. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલી નવી એક્સાઈઝ વ્યવસ્થામાં મહેસૂલ વધારવા માટે સરકાર કેટલાક નવા ઉપાયો અજમાવવા જઈ રહી છે. જે અંતર્ગત દારૂના ઓનલાઈન વેચાણનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દારૂનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે હવે દરેક બોટલમાં બાર કોડ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દ્રાક્ષના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે દ્રાક્ષથી બનેલી વાઈનના પ્રચાર-પ્રસાર માટે 15 નવા વાઈન આઉટલેટ પણ ખોલવામાં આવશે.
જો કે ભાજપના સ્થાનિક નેતાઓએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ભાજપના પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ રામેશ્વર શર્માએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કમલનાથ જી તમારી સરકારમાં કોણ છે, જે પૂરી સક્રિયતાધી દારૂના નવજીવનમાં જોતરાયું છે? તેમના દારૂના અડ્ડાઓ છે અથવા તો દારૂની કંપનીઓ છે. પહેલા શેરીઓ અને મહોલ્લાઓમાં દારૂની દુકાનનો પ્રસ્તાવ અને હવે ઓનલાઈન દારૂનું વેચાણ.