નાગરિકતા સુધારણા અધિનિયમ એટલે કે સીએએ ને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. બુધવારે રાજધાની દિલ્હીનાં ઈન્ડિયા ગેટ પર વિવિધ યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આ દરમિયાન તેમણે સીએએ વિરુદ્ધ સામૂહિક શપથ લીધા, સાથે જ બંધારણની પ્રસ્તાવના પણ વાંચી. દરમિયાન, વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓએ ‘કાગળ નહીં બતાવીએ’ અને ‘તાનાશાહી નહીં ચાલે’ જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
ઉલ્લખનીય છે કે, દેશનાં જુદા જુદા ભાગોમાં સીએએ અને એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. લોકો પોતાની વાતોને રસ્તા પરથી લઈને સોશિયલ મીડિયા સુધી લઈ જઇ રહ્યા છે. સીએએ અને એનસીઆર વિરુદ્ધ દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ છેલ્લા ઘણા દિવસોથી ઈન્ડિયા ગેટ પર સીએએનો વિરોધ કરી રહ્યા હતા. બુધવારે આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું, આ દરમિયાન વિરોધીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા અને સામૂહિક સંકલ્પ પણ લીધો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓએ શપથમાં જણાવ્યું હતું કે, અમે ભારતનાં યુવાનો એનઆરસી, સીએએ અને એનપીઆરનાં અમલીકરણ વિરુદ્ધ સરકાર સામે લડવાની પ્રતિજ્ઞા લઇએ છીએ.
પ્રદર્શનકારીઓએ પોતાના શપથમાં વધુમાં જણાવ્યું હતું કે, સીએએ-એનપીઆર-એનઆરસીને ભારતનાં સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ, લઘુમતીઓ અને અન્ય લોકોને નાગરિકતાથી પરેશાન કરવા, નિશાનો બનાવવા અને વંચિત કરવા લાવવામાં આવી રહ્યો છે. દરમિયાન, પ્રદર્શનકર્તાઓએ પણ તેમની નાગરિકતા સાબિત કરવા સરકારને કોઈ દસ્તાવેજો નહીં બતાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વિરોધ કરનારાઓએ ભારત વિરોધી અને બંધારણ વિરોધી તાકતો સામે લડવાનો પ્રણ લીધો હતો અને દેશવાસીઓને દસ્તાવેજો નહીં બતાવવા માટે સમજાવવાનો સંકલ્પ પણ કર્યો છે.