ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 24 કલાકમાં અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિર મામલે લોકોની ધીરજ હવે સમાપ્ત થઇ રહી છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે ઝડપી ચુકાદો લાવવા માટે અસમર્થ છે. યોગીએ જણાવ્યું હતું કે, આ કેસ અમને સોંપી દેવો જોઈએ અમે 24 કલાકમાં તેનો ઉકેલ લાવી દઈશું. આ સિવાય તેમણે 2014ની લોકસભા ચૂંટણી કરતા આગામી લોકસભા ચૂંટણીમાં વધારે બેઠકો પર વિજય પ્રાપ્ત કરવાનો દાવો પણ કર્યો છે.
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, પહેલા કોર્ટે આ કેસ અમને સોંપી દેવો જોઈએ. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, હું અત્યારે પણ કોર્ટને આ વિવાદને વહેલી તકે ઉકેલવા માટે અપીલ કરીશ. અલ્હાબાદ હાઇકોર્ટે 30 સપ્ટેમ્બર 2010માં જમીન ફાળવણી બાબતે આદેશ આપ્યા નહતા, એટલું જ નહી આ પણ સ્વીકાર્યું કે, બાબરીનું માળખું હિન્દુ મંદિર અથવા સ્મારકને નષ્ટ કરીને તૈયાર કરાવાયું છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે હાઇકોર્ટના આદેશ પર ખોદકામ કર્યું હતું અને તેમણે પોતાની રિપોર્ટમાં સ્વીકાર્યું કે, બાબરીના માળખાને હિન્દુ મંદિર અથવા સ્મારકને નષ્ટ કરીને તૈયાર કરાવાયું છે. તેમણે જણાવ્યું હતું કે, હું કોર્ટે આ મામલે ઝડપથી ન્યાય આપવાની અપીલ કરુ છું, જેથી આ લોકશાહીની સ્થિતિનું પ્રતિક બને. બિનજરૂરી વિલંબને કારણે સંસ્થાનો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી લોકોની ધીરજ અને વિશ્વાસની વાત છે તો પછી બિનજરૂરી વિલંબને કારણે સંકટ ઉત્પન્ન થઇ શકે છે. હું જણાવવા માંગુ છું કે, કોર્ટ પોતાનો નિર્ણય વહેલી તકે આપી દેવો જોઇએ. જો તેઓ નિર્ણય આપવામાં અસમર્થ છે તો તેઓ આ કેસ અમને સોંપી દે. અમે રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ 24 કલાકની અંદર લાવી દઇશું.