દેશ ના તમિલનાડુ માં બહાર આવેલી એક ચોંકાવનારી ઘટના માં ચેન્નઇ ખાતે સીબીઆઇ દ્વારા જપ્ત કરાયેલ રૂપિયા ૪૫ કરોડની કિંમતનું ૧૦૩ કિલો સોનું ગૂમ થઈ જતા ભારે સનસનાટી મચી ગઇ છે.
વિગતો મુજબ વર્ષ ૨૦૧૨માં સીબીઆઇ ની ટીમે ચેન્નઇ સ્થિત સુરાના કોર્પોરેશન લિમિટેડ માં રેડ કરીને સોના નો આ મોટો જથ્થો સુરાના કોર્પોરેશનની સેફ અને વોલ્ટમાં સીબીઆઇના લોક સાથે સીલ કરાયું હતું.જે ગાયબ થઈ ગયું છે. સીબીઆઇ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ચેન્નઇની સીબીઆઇ કેસો માટેની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટમાં તમામ સેફ અને વોલ્ટની ૭૨ ચાવી જમા કરાવી હતી.
જોકે સીબીઆઇએ ચાવીઓ કોર્ટમાં જમા કરાવી હોવાનો કોઈ ઉલ્લેખ દસ્તાવેજોમાં જોવા મળી રહ્યો નથી
સપ્ટેમ્બર ૨૦૧૩માં સીબીઆઇએ નવો કેસ નોંધતાં જણાવ્યું હતું કે જપ્ત કરાયેલું સોનું ૨૦૨૧ના કેસોમાં જરૂરી નથી. સુરાનાએ ફોરેન ટ્રેડ પોલિસીનું ઉલ્લંઘન કરીને આ સોનાની આયાત કરી હતી. વર્ષ ૨૦૧૫માં સીબીઆઇએ કોર્ટમાં બીજા કેસને બંધ કરી દેવાનો રિપોર્ટ જમા કરાવતાં જણાવ્યું હતું કે, તેની પાસે પૂરતા પુરાવા નથી. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે સીબીઆઇનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો હતો પરતુ જપ્ત કરેલું સોનું ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડને સોંપવાનો આદેશ આપ્યો હતો. જોકે સુરાના કોર્પોરેશનની અરજીને પગલે મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટનો આદેશ રદ કરી નાખ્યો હતો.
બીજીતરફ સુરાના કંપનીને આપેલી રૂપિયા ૧,૧૬૦ કરોડની લોનની વસૂલાત માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સીબીઆઇ કોર્ટમાં જપ્ત કરાયેલું સોનું તેને સોંપી દેવાની માગ કરતી અરજી કરી હતી. સુરાના અને સીબીઆઇ વચ્ચે લોનની વસૂલાત અને જપ્ત કરાયેલા સોના મુદ્દે કોર્ટમાં સમાધાન થયું હતું.
મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇની કસ્ટડીમાંથી ગૂમ થઈ ગયેલા ૧૦૩ કિલો સોનાને શોધી કાઢવા તામિલનાડુ પોલીસને આદેશ આપ્યો છે.
આમ સીબીઆઇ ની કસ્ટડી હોવા છતાં આટલો મોટો ખજાનો ગાયબ થઈ જવાની ઘટના ને લઈ ભારે ચકચાર મચી છે.
