સીબીઆઈમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે વધુ એક મધપુડો છંછેડાયો છે. આ કેસમાં પણ ગુજરાત કનેકશન ખુલી રહ્યું છે. ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દેવાનો વિવાદ થંભ્યો નથી ત્યાં તો રાકેશ અસ્થાનાએ આરોપ મૂક્યો છે કે સીબીઆઈ કથિત રૂપે પૈસા કમાવવાનું અને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે.
સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અને સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એ.કે.શર્મા પર આક્ષેપો કર્યા છે. અસ્થાનાએ સેન્ટ્રલ વિજીલન્સને લેટર લખી જણાવ્યું છે કે એ.કે. શર્માના પુત્ર કુશાગ્ર અમદાવાદમાં બ્રેવિટી એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવે છે, આ કંપનીમાં પ્રતીક કમલકુમાર ઓઝા પણ પાર્ટનર છે. પ્રતીક દિલ્હી રહેતા કેદાર તિવારીના સાળા થાય છે.સીબીઆઈએ તેમના પર 35 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકયો છે. એવું કહેવાય છે કે તિવારી સીબીઆઈ માટે વચેટીયાની ભૂમિકા ભજવે છે.
રાકેશ અસ્થાનાનાં સનસનાટીપૂર્ણ લેટરમાં રાકેશ તિવારી અને એ.કે.શર્મા સાથેની લીંક પણ જોડવાનો પ્રયાસ કરાયો છે. અસ્થાનાએ લેટરમાં આરોપ લગાવ્યો છે કે બ્રેવિટી એન્ટરપ્રાઈઝની સ્થાપના 30 એપ્રિલે જ કરવામાં આવી છે. સીબીઆઈના બ્લેક લિસ્ટમાં સામેલ થયેલી કાગળ પરની કંપનીઓ સાથે એ.કે,શર્માનો પરિવાર જોડાયેલો છે.
અમદાવાદ સ્થિત બ્રેવિટી એન્ટરપ્રાઈઝ ત્રણ વર્ષ જૂની છે. આ કંપની સ્પેશિલાઈઝ્ડ મશીનરી મેન્યુફેકચરીંગ સાથે જોડાયેલી છે. બ્રેવિટીની શરૂઆત માત્ર એક લાખ રૂપિયાના મૂડી રોકાણથી કરવામાં આવી હતી.
સપ્રદ વાત એ છે કે એ.કે.શર્મા દ્વારા સીબીઆઈમાં ચાર્જ લેવાના માત્ર નવ દિવસ પછી જ બ્રિવિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એવું મનાય છે કે એ.કે.શર્મા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહની નજીકના છે. ગુજરાતમાં ક્રાઈમ ડિપાર્ટમેન્ટની ચીફ તરીકે રહેવાના કારણે એ.કે.શર્માની સરકારી ઓફીસોમાં સારી એવી વગ છે. સેક્રેટરીએટમાં ભાજપની સાથે સાંઠગાંઠ કરવા બદલ તેમની ટીકા પણ થાય છે.
રાકેશ અસ્થાનાનો આરોપ છે કે શર્મા પર્સનલ સેકશનમાં ફરજ બજાવતા અશ્વિની ગુપ્તા સાથે કાગળ પરની કંપની ચલાવે છે. અસ્થાનાએ એવો પણ આરોપ મૂક્યો છે કે શર્મા પરિવાર શેલ(કાગળ પરની) કંપનીઓ ચલાવે છે. અસ્થાનાએ સીવીસીને લખેલા લેટરમાં જણાવ્યું છે કે અશ્વિની ગુપ્તાની પત્ની અંજુ અને શર્માની પુત્રી અર્પિતા 2017માં બનેલી કંપની મેટા વર્લ્ડમાં ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી.
સીબીઆઈ વિવાગમાં ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના હાલ સામ-સામે છે. હવે અસ્થાનાએ એ.કે.શર્માને ટારગેટ કર્યા છે. રાકેશ અસ્થાના અને એ.કે.શર્મા બન્ને ગુજરાત કેડરના અધિકારી છે, જેમની નિમણૂંક સીબીઆઈમાં કરવામાં આવી હતી.