ભારતના મૂન સ્પેસક્રાફ્ટ ચંદ્રયાન-2એ અંતરિક્ષમાંથી પૃથ્વીની કેટલીક તસવીરો મોકલી છે. ઈસરોએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે સાથે ચંદ્રયાન-2 દ્વારા મોકલવામાં આવેલી તસવીર જાહેર કરી છે.
ઈસરોના ટ્વીટ મુજબ ચંદ્રયાન-2 દ્વારા ધરતીની આવેલી આ તસવીર એલઆઈ-4 કેમેરા દ્વારા 3 ઓગસ્ટનાં રોજ ખેંચવામાં આવી છે. ઈસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન-2એ આ તસવીર યુનિવર્સલ ટાઈમિંગ મુજબ સાંજે 5 વાગ્યે 32 મિનિટે લીધી છે. અહિં જાણ કરવાની કે ભારત યુનિવર્સલ ટાઈમથી 5 કલાક 30 મિનિટ આગળ છે.
22 જુલાઈએ ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ તે સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાંઆગળ વધી રહ્યું છે. મિશન શરૂ થયાં બાદ ચંદ્રયાને પહેલી વખત પૃથ્વીની અદભુત અને રોમાંચક તસવીરો મોકલી છે. 2 ઓગસ્ટે બપોરે 3 વાગ્યે અને 27 મિનિટ ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપૂર્વક ચોથી વખત બદલાવ કરાયો હતો.
હવે 6 ઓગસ્ટ સુધીમાં પૃથ્વીની ચારે બાજુ ચંદ્રયાન-2ના ઓર્બિટને બદલવામાં આવશે. જે બાદ 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચંદ્ર તરફ જનારી લાંબી કક્ષામાં યાત્રા કરશે. 20 ઓગસ્ટે ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચશે જેના 11 દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધીમાં તે ચંદ્રની ચારેબાજુ ચક્કર લગાવશે.જે પછી 1 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થઈને ચંદ્રના દક્ષિણી ધ્રુવ તરફ યાત્રા શરૂ કરશે.