ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટી ગયા બાદ દેશમાં સૌ કોઈ નિરાશ છે પણ આ નિરાશાની વચ્ચે આશાનુ એક કિરણ એ પણ છે કે, ભારતનુ આ મિશન કોઈ પણ રીતે નિષ્ફળ કહી શકાય તેમ નથી.
પૂર્વ ઈસરો ચેરમેન જી માધવન નાયરનુ કહેવુ છે કે, આ મિશન 95 ટકા સફળ છે. કારણ કે, ચંદ્રયાનનુ ઓર્બિટર તો પહેલેથી જ સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવાયેલુ છે અને યોગ્ય રીતે કામ કરી રહ્યુ છે. ઓર્બિટર ચંદ્રનુ મેપિંગ કરવાનુ કામ બખૂબી રીતે પૂરૂ કરી રહ્યુ છે. ઓર્બિટરમાં ચંદ્રની સપાટીનુ મેપિંગ કરવા માટે આઠ ઉપકરણો ગોઠવવામાં આવ્યા છે.
ચંદ્રયાન કુલ ત્રણ હિસ્સામાં વહેંચાયેલુ હતુ. ઓર્બિટર, લેન્ડર અને રોવર જેમાં ઓર્બિટર તો ચંદ્રની ભ્રમણકક્ષામાં યોગ્ય રીતે ફરી રહ્યુ છે પણ હવે લેન્ડર અને તેની અંદરનુ રોવર ક્યાં અટકી ગયુ છે તેની કોઈ જાણકારી નથી.
ઓર્બિટરનો આવરદા 1 વર્ષનો છે. આ દરમિયાન તે ચંદ્રની બહારી સપાટીની સેંકડો તસવીરો લઈને ઈસરોને મોકલી આપશે. શક્ય છે કે, આ દરમિયાન તેના કેમેરામાં ચંદ્ર પર લેન્ડ થયેલા લેન્ડરની પણ તસવીરો ઝડપાય. તેનાથી તેની સ્થિતિની ખબર પડશે.
માધવને કહ્યુ હતુ કે, લેન્ડરનો સંપર્ક તુટી જવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. શક્ય છે કે, તેનુ સેંસર ફેલ ગયુ હોય, ઓનબોર્ડ સોફ્ટવેર ક્રેશ થઈ ગયુ હોય અથવા તો તે બહુ ઝડપથી નીચે ઉતર્યુ હોય. જોકે, ઈસરો વહેલી તકે ચોક્કસ કારણ જાણી લેશે.