દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે ત્યારે તમામ રાજ્યો કોરોનાને રોકવા માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવાઈ યાત્રા દરમિયાન જો કોઈ મુસાફર કોરોનાને લગતા નિયમોનું પાલન નહીં કરે તો એરલાઈન્સ દ્વારા તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.છેલ્લા થોડા દિવસોમાં વિવિધ વિમાનોમાંથી કોવિડ-19ના નિયમોનું પાલન ન કરતા હોય તેવા 8 લોકોને ઉતારી મુકવામાં આવ્યા હતા. તે તમામ મુસાફરોએ માસ્ક અને પીપીઈ કીટ પહેરવાની ના પાડી દીધી હતી. છેલ્લા એક સપ્તાહમાં 3 એરલાઈન્સ સાથે સંકળાયેલા આવા 8 કેસ સામે આવ્યા હતા.સિવિલ એવિએશનના અહેવાલ પ્રમાણે જો કોઈ મુસાફર નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના પર 2 વર્ષ માટે પ્રતિબંધ મુકાઈ શકે છે. જો અનેક વિનંતી છતાં મુસાફર નિયમોનું પાલન નહીં કરે તો તેને સ્વચ્છંદી મુસાફરની યાદીમાં સામેલ કરવામાં આવશે અને તેમના પર ભવિષ્યમાં પણ પ્રતિબંધ લાગી શકે છે. જો કોઈ મુસાફર અનેક વિનંતી છતા નિયમોનું પાલન ન કરે તો તેને 3 મહિનાથી લઈને આજીવન માટે ‘નો ફ્લાઈ લિસ્ટ’માં મુકવામાં આવી શકે છે.દિલ્હી હાઈકોર્ટના આદેશ પ્રમાણે જો કોઈ મુસાફર વિમાનમાં માસ્ક, પીપીઈ કીટ પહેરવાની ના પાડી દે અથવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે તો તેને વિમાનમાંથી ઉતારી શકાય. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, એરલાઈન્સ આ પ્રકારના મુસાફરો વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે.
