ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન રોડના કિનારા પર લાગેલ વૃક્ષો પર જાહેરાત, તાર અથવા લાઇટ્સ લગાવીને તેને નુકસાન પહોંચાડનાર વિરુદ્ધ કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. કોર્પોરેશને હવે આવું કરનાર લોકો અને પ્રાઇવેટ સંસ્થાને 25,000 રૂપિયાનો દંડ અને સાથે 3 વર્ષની જેલની સજા ફટકારવાનો નિયમ બનાવ્યો છે. ઝાડ પરથી બધી જાહેરાતોને 10 દિવસમાં હટાવવાનો આદેશ આપી ચેન્નઈ કોર્પોરેશને કહ્યું કે ઝાડ પર ખિલ્લી લગાવવી એ પ્રકૃતિની વિરુદ્ધ છે. આનાથી તેમની ઉંમર ઘટે છે.
કમિશનરે જણાવ્યું કે, લોકલ પબ્લિક ઝાડ પર જાહેરાત, હોર્ડિંગ લગાવે તો તેની ફરિયાદ નમ્મા ચેન્નઈ એપ અને હેલ્પલાઇન (1913) પર પણ કરી શકો છો. આ એપની શરૂઆત નાગરિક સુવિધાઓમાં કોઈપણ પ્રકારની અનિયમિતતાની ફરિયાદ કરવા માટે પણ કરવામાં આવી છે.
શહેરમાં ‘ફ્રી ધ ટ્રી’ નામનું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વૃક્ષોને મુક્ત રાખવાની, નવા ઝાડ લગાવવા, તેની દેખરેખ રાખવી વગેરે જેવા કામ કરાવવામાં આવે છે. લોકોને જાગૃત કરવામાં આવે છે. સંસ્થાના કાર્યકર્તા આખા શહેરમાં ઝાડ પરથી બેનર, પોસ્ટર, ખિલ્લીઓ અને લાઈટો હટાવે છે. આવું કરવાથી ઝાડના વિકાસમાં ફાયદો થશે.
ઓગસ્ટમાં મદ્રાસ હાઇકોર્ટે કોર્પોરેશનને ઝાડ પર ખિલ્લી, જાહેરાત લગાવનારા વિરુદ્ધ અને તેના પરથી કેબલ- તાર લઇ જનાર વિરુદ્ધની કાર્યવાહી મામલે સોગંદનામું ફાઈલ કરવાનું કહ્યું હતું. આ આદેશ એક જનહિત યાચિકા પર આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વૃક્ષોની હાલત ખરાબ કરનારા લોકો પર કાર્યવાહી કરવામાં કોર્પોરેશન અને પોલીસ નિષ્ફ્ળ રહી છે.