પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમની મની લોન્ડરિંગ કેસમાં સરેન્ડર થવાની અરજી દિલ્હીની સૃથાનિક કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા કોઇ રાહત આપવામાં ન આવતા પી ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં જ રહેવું પડશે.
કોર્ટે ચિદમ્બરમની આ અરજી પર ગઇકાલે ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ ઇડીએ કોર્ટમાં સરેન્ડર થવાની ચિદમ્બરમની અરજીનોે વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ચિદમ્બરમની ધરપકડની જરૂર છે પણ તેમની ધરપકડ યોગ્ય સમયે કરવામાં આવશે.
આજે સ્પેશિયલ જજ અજયકુમાર કુહારે ચિદમ્બરમની અરજી ફગાવી દીધી હતી. ચિદમ્બરમના વકીલે જણાવ્યું હતું કે મારી અસીલને હેરાન કરવા માટે તેમની કસ્ટડી વધારવામાં આવી રહી છે. ચિદમ્બરમના વકીલ કપિલ સિબલે પૂછ્યું હતું કે જ્યારે ઇડી ચિદમ્બરમની ધરપકડ કરવા માગતું જ નથી તો તે 20 અને 21 ઓગસ્ટે તેમની ધરપકડ કરવા તેમના ઘરે શા માટે ગઇ હતી?
ઇડી વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ઇડી હાલમાં દસ્તાવેજોની તપાસ કરી રહી છે. છ લોકોને બોલાવી પૂછપરછ કરી લેવામાં આવી છે. ત્રણ લોકોની પૂછપરછ હજુ પણ ચાલુ છે.તેમણે જણાવ્યું હતું કે ચિદમ્બરમની ધરપકડ કરતા પહેલા અમે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા માગીએ છીએ. અમે હાલમાં ચિદમ્બરમની ધરપકડ કરવા માગતા નથી. અમે થોડાક સમય પછી ચિદમ્બરમની ધરપકડ કરીશું જેથી તેમની સારી રીતે પૂછપરછ કરી શકાય.