રાજસ્થાનમાં ત્રણ દિવસથી ચાલી રહેલું ગુર્જર અનામત આંદોલન હવે ઉગ્ર બની ગયું છે. ઘૌલપુરમાં દિલ્હી-મુંબઇ રાષ્ટ્રી ધોરીમાર્ગ 3ને જામ કરવામાં આવ્યો, આ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. બાદમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે હવામાં ફાયરિંગ કર્યું. જેનાથી અફરાફરીનો માહોલ સર્જાયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ત્રણ વાહનોમાં આંગ લગાવી દીધી. સ્થળ પર હજુ પણ તણાવભરી સ્થિતિ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આંદોલનકારીઓએ રવિવારે બપોરે ઘૌલપુર શહેરમાં અનામત આંદોલન પર ચર્તા કરવા માટે બેઠક બોલાવી હતી, બેઠક બાદ આંદોલનકારી દિલ્હી-મુંબઇ રાષ્ટ્રીય રાજમાર્ગને ચક્કાજામ કરવા માટે વોટરવર્ક્સ ચોક ખાતે એકત્રીત થયા હતા. આ દરમિયાન આંદોલનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન કેટલાક આંદોલનકારીઓએ ત્રણ વાહનોમાં આગ લગાવી દીધી. સ્થિતિ તંગ બનતા પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ મામલો વધુ બીચક્યો હતો.
ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે આંદોલનકારીઓ ચંબલ તરફ ભાગી ગયા છે. પથ્થરમારો અને ફાયરિંગની સૂચના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોલાવી લેવામાં આવ્યો છે. સૂચના મળી રહી છે કે આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.