પદ્મ વિભૂષણથી સન્માનિત શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજ સોમવારે અમેરિકામાં કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયુ. તેઓ 90 વર્ષના હતા. તેમણે અમેરિકાના ન્યૂ જર્સીમાં અંતિમ શ્વાસ લીધો. પંડિત જસરાજના નિધનથી સંગીત જગતમાં શોકનો માહોલ છે.
જસરાજના પરિવારજનો તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ તેમણે સ્થાનિક સમય મુજબ સવારે 5.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધો. 28 જાન્યુઆરી 1930ના રોજ જન્મેલા પંડિત જસરાજે ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી ઉંચાઈ આપી. પંડિત જસરાજે ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વ સ્તરે પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પંડિત જસરાજના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો.
સંગીત જગતમાં તેમના જીવનમાં 80 વર્ષથી વધુ સમય સુધી સક્રીય રહેલા પંડિત જસરાજે ભારત સાથે જ અમેરિકા અને કેનેડામાં પણ શાસ્ત્રીય સંગીતનો પરચમ લહેરાવ્યો હતો. સંગીત જગતમાં તેમના યોગદાનને સલામ કરતા ઇન્ટરનેશનલ એસ્ટ્રોમિકલ યૂનિયને વર્ષ 2006માં શોધાયેલા હીન ગ્રહ 2006VP32નું નામ પંડિત જસરાજ રાખવામાં આવ્યું હતું.