શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બન્યા પછી પણ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી.
રાજકીય અને કાનૂની દાવની પ્રક્રિયા ચાલુ છે તેવામાં સુનીલ પ્રભુની આગેવાની હેઠળ ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે જ્યાં સુધી તેમની ગેરલાયકાતનની કાર્યવાહીનો નિર્ણય ન થાય ત્યાં સુધી આ તમામને વિધાનસભામાં પ્રવેશતા રોકવા માટે નિર્દેશ આપવાનો પણ અનુરોધ કર્યો હતો.
જોકે, કોર્ટે આ મામલે તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
શિવસેનાના સુનિલ પ્રભુએ આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સીએમ શિંદે અને તેમના સમર્થન કરતા 15 ધારાસભ્યોને આવતીકાલે ગૃહમાં પ્રવેશતા રોકવાની માંગ કરી હતી. પાર્ટીનું કહેવું છે કે જ્યાં સુધી આ ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકર તરફથી મળેલી ગેરલાયકાતની નોટિસનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી તેમને વિધાનસભામાં પ્રવેશવાની મંજૂરી આપી શકાય નહીં. શિંદેને ત્યાં સુધી બહુમત પરીક્ષણમાંથી પણ રોકી દેવા જોઈએ. મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 2 અને 3 જુલાઈના રોજ યોજાનાર હોવાથી અને સુપ્રીમ કોર્ટે નવી અરજી પર તાકીદની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે,પરિણામે શિંદે જુથ ને હાલમાં મોટી રાહત મળી છે.