કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદાર મનાતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંગઠનની ચૂંટણી લડવાના સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું, પહેલા હું તમામ કોશીશ કરી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા તૈયાર કરીશ.
જો તેઓ સંમત નહીં થાય તો હું હાઈકમાન્ડનો આદેશ સ્વીકારીશ. મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે એટલે કે આજે દિલ્હીમાં હશે. ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળે તેવી શક્યતા છે.
આ પહેલા મંગળવારે મોડી રાત્રે સીએમ ગેહલોતે તેમના સત્તાવાર નિવાસસ્થાને કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. બેઠકમાં, તેમણે ધારાસભ્યોને કહ્યું કે જો તેઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાનું નક્કી કરશે તો તેમને નવી દિલ્હી આવવા માટે કહેવામાં આવશે. પરંતુ તેઓ પહેલા કોચી જશે અને કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. વિધાયક દળની બેઠક બાદ રાજસ્થાનના એક કેબિનેટ મંત્રીએ આ જાણકારી આપી.