સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કર્યા છે. ઉત્તરાયણ દરમિયાન આવી ચાઇનીઝ તુક્કલ-માંજા, પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ, પશુ-પક્ષીને ઇજા, જાનહાનિ થાય છે. આવા બનાવો નિવારવાના માટે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે. તેમણે ગુજરાતમાં સી.આર.પી.સી.ની કલમ ૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવ્યો છે.
ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી અને ડ્રેનેજમાં તે જવાથી લાઇન ચોકઅપ થઇ જાય છે. ઉપરાંત, વીજલાઇન અને સબસ્ટેશનમાં પણ આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ થાય છે. ગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુક્કલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે.
ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુક્કલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. આ બાબતોને ધ્યાને લઇને ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર રાજ્ય સરકારે તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.