કાફે કોફી ડે રિટેલ ચેઈન ધરાવતી કંપની કોફી ડે એન્ટરપ્રાઈઝે બુધવારે નવા વચગાળાના ચેરમેન તરીકે એસ વી રંગનાથની નિમણૂક કરી હોવાનું જણાવ્યું છે. કંપનીના સ્થાપક અને કર્ણાટકના પૂર્વ સીએમ એસ એમ કૃષ્ણાના જમાઈ વી જી સિદ્ધાર્થનું નિધન થયા બાદ તેમનો મૃતદેહ આજે મળી આવ્યા બાદ કંપનીએ આ નિર્ણય લીધો હતો.
સિદ્ધાર્થના પત્ની માલવિકા હેગડે સહિત કંપનીના ડિરેક્ટરોની આજરોજ મળેલી બેઠકમાં સ્વતંત્ર ડિરેક્ટર એસ વી રંગનાથને કાર્યકાળી ચેરમેન નિયુક્ત કરાયા હતા. આ ઉપરાંત નિતિન બગમાનેની વચગાળાના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) પદે નિમણૂક કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા રંગનાથ, બગમાને અને સીએફઓ આર રામને લઈને એક્ઝિક્યુટીવ કમિટી પણ રચી છે જે કંપનીનો વહીવટ ચલાવશે. અગાઉ 2015માં બોર્ડે ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને વહીવટી કમિટીને સત્તા આપી હતી. એક્ઝિક્યુટીવ કમિટી આગામી સમયમાં કોફી ડે ગ્રૂપ માથે રહેલા જંગી દેવાનું ભારણ ઓછું કરવા કામગીરી કરશે તેમ કંપનીએ જણાવ્યું હતું.
કંપનીના સ્થાપક વી જી સિદ્ધાર્થ સોમવાર સાંજથી લાપતા હતા અને તેઓ છેલ્લા નેત્રાવતી નદી પાસેના પુલ પર હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું. 36 કલાકની શોધખોળના અંતે સિદ્ધાર્થનો મૃતદેહ બુધવારે વહેલી સવારે માછીમારે તરતો જોયો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી હતી. સિદ્ધાર્થના મૃતદેહની ઓળખ મિત્રો અને સ્થાનિકોએ કરી હતી.
સિદ્ધાર્થે મૃત્યુ પૂર્વે લખેલો અંતિમ પત્ર મળ્યો હતો જેમાં તેણે બેન્ક, લેણદારો અને ટેક્સ સત્તાધીશોનું તીવ્ર દબાણ હોવાનું જણાવ્યું હતું. બોર્ડે સિદ્ધાર્થના પત્રમાં કરાયેલા ગંભીર આક્ષેપોની નોંધ લીધી છે અને વરિષ્ઠ અધિકારીઓની જાણ બહારના વ્યવહારોની ચકાસણી કરાશે તેમ જણાવ્યું છે. બોર્ડે આ બાબતે સિરિલ અમરચંદ મંગળદાસને કાયદાકીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હોવાનું જણાવ્યું હતું. બોર્ડે સિદ્ધાર્થના નિધન પર પરિવારજનોને શાંતવના પાઠવી હતી.