કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ બિલ, 2019 લોકસભામાં પસાર કરી દીધું છે. મોટર વ્હીકલ બિલમાં સરકારે માર્ગ દુર્ઘટનાના કારણે થતી મોત પર 5 લાખ રૂપિયા વળતરનો પ્રસ્તાવ મુક્યો છે. સાથે જ આ બિલમાં માર્ગ દુર્ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ લોકોને 2.5 લાખ રૂપિયા આપવાની ભલામણ કરી છે.
લોકસભામાં માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નતિન ગડકરીએ જણાવ્યું કે મોટર વ્હીલક બિલ, 2019માં વ્હીકલના કારણે માર્ગમાં થતી કોઇપણ દુર્ઘટનાના કારણે મૃત્યુ થવાના મામલે પીડિતને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

ગડકરીએ જણાવ્યું કે નવા બિલમાં લાયસન્સિંગ વ્યવસ્થાને સખત બનાવવા, પરિવહનના નિયમોના ઉલ્લંઘન પર દંડમાં વધારો, વાહનોની ફિટનેસની ઓટોમેટિક તપાસ, દોષપૂર્ણ વાહનોને પરત મંગાવવાની જોગવાઇ, ઇલેક્ટ્રોનિક મોનીટરિંગ કાર્યક્રમ, માર્ગ સુરક્ષા નિયમને ગંભીરતાથી લાગુ કરવા અને અનેક નવા અપરાધને સામેલ કરવામાં આવ્યાં છે.
બિલમાં ટ્રાન્સપોર્ટ એગ્રીગેટર્સને વૈધાનિક માન્યતા આપવા માટે સંશોધનનો પણ પ્રસ્તાવ છે. તેનાથી કેબ અને બસ એગ્રિગેટર્સને ફાયદો થવાની આશા છે.