કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં દાવો કર્યો હતો કે કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોના આંદોલનને કારણે કોઈ ખેડૂતના મૃત્યુનો કોઈ રેકોર્ડ નથી. કેન્દ્ર સરકારના આ નિવેદન પર ખેડૂત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ કોંગ્રેસે પણ ખેડૂતોના મોત મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.
દોઆબા કિસાન કમિટીના રાજ્ય પ્રમુખ જંગવીર સિંહ ચૌહાણે કહ્યું કે, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીનો તમામ પ્રકારનો ડેટા છે. જો તેઓ એમ કહી રહ્યા છે કે ખેડૂતોના મૃત્યુના આંકડા નથી તો તે ખોટું છે. આમ છતાં જો સરકાર એમ કહે તો અમે તેમને વળતર માટે ખેડૂતોના મૃત્યુના આંકડા આપીશું.
કોંગ્રેસે સાધ્યું સરકાર પર નિશાન
બીજી તરફ કોંગ્રેસે નરેન્દ્ર સિંહ તોમરના આ દાવા પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, તોમર સાહેબ, નિષ્ફળતા છુપાવવા આટલું મોટું જુઠ્ઠાણું! જ્યારે સત્ય એ છે કે 2020માં 10677 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. 4090 ખેડૂતો કે જેમની પાસે પોતાના ખેતરો છે, 639 ખેડૂતો કે જેઓ કોન્ટ્રાક્ટ પર જમીન લઈને ખેતી કરતા હતા. 5097 ખેડૂતો જેઓ અન્યના ખેતરોમાં કામ કરતા હતા. છેલ્લા 7 વર્ષમાં 78303 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.