રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે પોતાની નાણાકીય નીતિનો અહેવાલ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર 2019માં ગ્રાહકોનો વિશ્વાસ 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
રિપોર્ટ અનુસાર, વર્તમાન સ્થિતિ ઈન્ડેક્સ (Current Situation Index) સપ્ટેમ્બર મહિનામાં 89.4 સુધી પહોંચી ગયું છે. જે છેલ્લા 6 વર્ષોની સરખામણીમાં સૌથી ખરાબ છે. તે પહેલા આ ઈન્ડેક્સ સપ્ટેમ્બર, 2013માં સૌથી ખરાબ નોંધવામાં આવ્યુ હતુ જ્યારે તે 88 સુધી પહોંચી ગયું હતુ.
ગ્રાહક વિશ્વાસ સર્વેનો આધાર
RBI દરેક ત્રિમાસિકગાળામાં એક વખત ગ્રાહક વિશ્વાસ સર્વે (Consumer Confidence survey) કરે છે, જેમાં કેટલાક મોટા શહેરોમાંથી લગભગ 5,000 ગ્રાહકોને આર્થિક સ્થિતિને લઈને અભિપ્રાય પૂછવામાં આવે છે. આ સર્વેમાં 5 આર્થિક મુદ્દાઓ પર ગ્રાહકોનો અભિપ્રાય માંગવામાં આવે છે- આર્થિક પરિસ્થિતિ, રોજગાર, મૂલ્ય સ્તર, આવક અને ખર્ચ.
ગ્રાહક વિશ્વાસ સર્વેમાં મુખ્ય રૂપે વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની અપેક્ષાઓનું ઈન્ડેક્સ બનાવવામાં આવે છે. વર્તમાન સ્થિતિના દરો ઉપરાંત છેલ્લા એક વર્ષમાં ગ્રાહકો દ્વારા અનુભવ કરેલા આર્થિક ફેરફારોને માપવામાં આવે છે. ત્યાં જ ભવિષ્યની અપેક્ષાઓ માટે આવનારા એક વર્ષમાં આર્થિક પરિસ્થિતિઓ પર ગ્રાહકોનો અભિપ્રાય માંગવામા આવે છે.
આરબીઆઈના સપ્ટેમ્બરના સર્વેમાં સ્પષ્ટ થયું છે કે, વર્તમાન સ્થિતિ અને ભવિષ્યલક્ષી અપેક્ષા એમ બંને પર ગ્રાહકોએ અસંતોષ વ્યક્ત કર્યુ છે. જ્યારે વર્તમાન સ્થિતિની દર 100થી વધારે હોય છે ત્યારે ગ્રાહકો આશાવાદી હોય છે અને 100થી નીચે હોવા પર નિરાશાવાદી.