અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામની દૂધ ડેરીનો પ્રશ્ન દિવસે દિવસે પેચીદો બનતો જાય છે. મંત્રી અને ગ્રાહકો વચ્ચે ચાલતા ઘર્ષણથી છેલ્લા ચાર દિવસથી ડેરીને ખંભાતી તાળા લાગતાં પશુપાલકો હેરાનગતિ ભોગવવી રહ્યા છે. મંત્રી પોતાની મનમાની કરી, સમયસર પગાર ન કરતા અને પોષકક્ષમ ભાવ ન મળતા ગ્રાહકોએ અંતે ડેરીને તાળા મારી દીધા છે. છતાં પણ બનાસડેરી તરફથી કોઈ નક્કર પગલાં ન લેવાતાં લોકોએ ડેરી આગળ દુધગંગા વેહતી કરી રોષ ઠાલવ્યો હતો. વિરોધના વંટોળ વચ્ચે એશિયાની સૌથીમોટી ડેરીના વાઇસ ચેરમેન અને અમીરગઢના વતની ભાવાભાઈ દેસાઈએ પોતાનુ મૌન તોડતા જણાવ્યુ હતું કે, માનપુરિયા ડેરી છેલ્લા ચાર દિવસથી બંધ રહેતા બનાસડેરી અને પશુપાલકો માટે દુઃખદ ઘટના કહી શકાય, આ બાબતે તેઓએ માનપુરિયાના મંત્રી અને ગ્રાહકોને સમજાવવાના પ્રયાસો કર્યો છે. ટુંક સમયમાં નિરાકરણ આવી જશે. તેવુ આશ્વાસન આપ્યુ હતું, અહીં ઉલ્લેખનીય છે કે, અત્યારે પશુપાલકોની હાલત કફોડી બનતા પાંચ કિલોમીટર પગપાળા ચાલી અન્ય ડેરીમાં દુધ ભરાવવાની ફરજ પડી છે.
